સુરેન્દ્રનગર ‘નેત્રમ’ ટીમે 15,000નો ખોવાયેલો મોબાઈલ શોધી આપ્યો
સીસીટીવીની મદદથી રિક્ષામાં ભુલાઈ ગયેલો 15,000નો મોબાઈલ મૂળ માલિકને પરત અપાવતી સુરેન્દ્રનગર ‘નેત્રમ’ ટીમ

તા.29/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જાહેર જનતાની ખોવાયેલી કે ગુમ થયેલી કિંમતી ચીજવસ્તુઓ જેવી કે સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, પર્સ કે મોબાઈલ શોધીને તેમના મૂળ માલિકો સુધી પહોંચાડવા માટે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમાર મુખ્ય મથક, સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ અને પીએસઆઇ ડી.એલ. ઝેઝરીયા “નેત્રમ” સુરેન્દ્રનગરની સીધી સુચનાથી નેત્રમ શાખા સતત કાર્યરત છે. ધ્રાંગધ્રા તાલુકાના પથુગઢ ગામે રહેતા મહેન્દ્રભાઇ હમીરભાઈ લકૂમ તારીખ ૨૮/૦૮/૨૦૨૬ ના રોજ સવારના સમયે કોઈ કામકાજ અર્થે સુરેન્દ્રનગર આવ્યા હતા. તેઓ રતનપરના ઢાળેથી એક પેસેન્જર રિક્ષામાં બેસીને એન.ટી.એમ. સ્કૂલ નજીક ઉતર્યા હતા.સ્કૂલ પાસે ઉતર્યા બાદ મહેન્દ્રભાઈને ખ્યાલ આવ્યો કે તેમનો આશરે ૧૫,૦૦૦ ની કિંમતનો સ્માર્ટફોન તેઓ જે રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા તે જ રિક્ષામાં ભૂલથી રહી ગયો છે. અજાણી રિક્ષા હોવાથી અને નંબર યાદ ન હોવાથી તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા.મોબાઈલ ભુલાઈ ગયા અંગે મહેન્દ્રભાઈએ વિલંબ કર્યા વગર સુરેન્દ્રનગર સ્થિત “નેત્રમ” કંટ્રોલ રૂમ ખાતે પહોંચીને સમગ્ર બનાવની જાણ કરી હતી. અરજદારની રજૂઆત મળતા જ પીએસઆઇ ડી.એલ. ઝેઝરીયાની સૂચનાથી નેત્રમની ટેકનિકલ ટીમે તુરંત કામગીરી શરૂ કરી હતી રતનપરના ઢાળથી લઈને એન.ટી.એમ. સ્કૂલ સુધીના માર્ગ પર લાગેલા નેત્રમ કેમેરાના ફૂટેજ તીક્ષ્ણતાથી ચકાસવામાં આવ્યા હતાં કેમેરાની મદદથી અરજદાર જે રિક્ષામાં બેઠા હતા તે રિક્ષાની ઓળખ કરી તેનો રજીસ્ટ્રેશન નંબર GJ-27-W-5090 શોધી કાઢવામાં આવ્યો હતો રજીસ્ટ્રેશન નંબરના આધારે ટીમે ત્વરિત રિક્ષા ચાલકનો સંપર્ક સાધ્યો હતો. રિક્ષા ચાલકનો સંપર્ક કરી રિક્ષામાં તપાસ કરાવતા મહેન્દ્રભાઈનો ૧૫,૦૦૦ ની કિંમતનો મોબાઈલ સુરક્ષિત મળી આવ્યો હતો. નેત્રમ સરકારી કચેરી ખાતે અરજદાર મહેન્દ્રભાઇ હમીરભાઈ લકૂમને બોલાવીને તેમનો મૂળ મોબાઈલ વિધિવત રીતે પરત સોંપવામાં આવ્યો હતો.પોતાનો કિંમતી મોબાઈલ અને તેમાં રહેલો મહત્વનો ડેટા સહીસલામત પરત મળતા અરજદારે સુરેન્દ્રનગર પોલીસ અને “નેત્રમ” ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. નેત્રમ શાખાની આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરીથી સ્થાનિક પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.


