સુરેન્દ્રનગરમાં GVK દ્વારા કરાયેલી ભરતી વિવાદના વટોળે: જોઇનિંગ લેટર અને આઈકાર્ડ વગર જ કર્મચારીઓને કામે લગાડાતા રોષ

તા.29/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ગુજરાત રાજ્યમાં GVK યોજના અંતર્ગત તાજેતરમાં હાથ ધરાયેલી ભરતી પ્રક્રિયા સામે કર્મચારીઓમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. રાજ્યભરમાં પસંદગી પામેલા ૧૭૭ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ૧૭ કર્મચારીઓને જોઇનિંગ લેટર, આઈકાર્ડ કે યુનિફોર્મ આપ્યા વિના જ સીધા કામગીરી પર ઉતારી દેવામાં આવતા આ સમગ્ર ભરતી પ્રક્રિયા વિવાદમાં સપડાઈ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, GVK દ્વારા રાજ્ય સ્તરે ૧૭૭ ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી. આ કર્મચારીઓને ૧૦૮ ઇમરજન્સી સેવા, ૧૧૨ ટોલ ફ્રી નંબર અને જનરક્ષક સહિતની હેલ્પલાઇન સેવાઓના વાહનોમાં પાયલોટ તરીકે ફરજ સોંપવામાં આવી છે. જોકે, આશ્ચર્યજનક રીતે ઉમેદવારોને હજુ સુધી કોઈ સત્તાવાર જોઇનિંગ લેટર આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત, કર્મચારીઓ પાસે ૧૨ કલાકની સખત નોકરી લેવામાં આવી રહી હોવા છતાં તેમને કેટલો પગાર ચૂકવાશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. નિયમ મુજબ કર્મચારીઓને ૧૦ દિવસની સઘન તાલીમ આપવાની હોય છે, તેના બદલે માત્ર ૪ દિવસની તાલીમ આપીને આટોપી લેવામાં આવી હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે. વધુમાં આ ભરતી સામાન્ય કેટેગરી હેઠળ ખીલખિલાટ, ૧૧૨, અને પશુ નિદાન વાહનો માટે કરવામાં આવી હતી પરંતુ તમામ ઉમેદવારોને ફરજિયાતપણે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓમાં જ જોતરી દેવામાં આવ્યા છે. નોકરીએ લાગેલા દરેક કર્મચારી પાસેથી ફરજિયાત ૧૨,૦૦૦નો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવામાં આવ્યો છે. આમ છતાં, તેમને આઈકાર્ડ, યુનિફોર્મ કે અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી નથી. આ સમગ્ર ગેરરીતિ અને નિયમોના ઉલ્લંઘન સામે કર્મચારીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ દર્શાવતી પોસ્ટ વાયરલ કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો છે, જેના પગલે GVK તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.


