ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામે દેશી દારૂના દૂષણથી ગ્રામજનો પરેશાન
દારૂનું ગેરકાયદે વેચાણ બંધ કરાવવા સરપંચે પ્રાંત અધિકારીને કરી લેખિત રજૂઆત

તા.29/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

દારૂનું ગેરકાયદે વેચાણ બંધ કરાવવા સરપંચે પ્રાંત અધિકારીને કરી લેખિત રજૂઆત, ગુજરાતમાં તાજેતરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દેશી- વિદેશી દારૂના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા દારૂબંધીના કડક અમલ માટેની વાતો વચ્ચે પણ ગ્રામીણ વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ ધમધમી રહ્યું હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામેથી સામે આવ્યો છે, જ્યાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂના દૂષણને ડામવા માટે ગ્રામજનો અને પંચાયત મેદાને આવ્યા છે. રાવળીયાવદર ગામમાં મોટા પાયે થઈ રહેલા દેશી દારૂના ગેરકાયદેસર વેચાણ અંગે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગામનું વાતાવરણ કલુષિત થઈ રહ્યું હોવાથી અને યુવાધન ગેરમાર્ગે દોરાઈ રહ્યું હોવાથી, સરપંચે ગ્રામ પંચાયતના સત્તાવાર લેટરપેડ પર ધ્રાંગધ્રાના પ્રાંત અધિકારીને એક લેખિત અરજી સુપ્રત કરી છે. આ રજૂઆતમાં ગામમાં ચાલતા દારૂના અડ્ડાઓ તાત્કાલિક અસરથી બંધ કરાવવા અને ગુનેગારો સામે કડકમાં કડક પગલાં ભરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. ગામના ચોકે અને શેરીઓમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પંચાયત દ્વારા પ્રાંત અધિકારી સુધી રજૂઆત કરવાની નોબત આવતા જ સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી અને હપ્તાખોરીના આક્ષેપો સામે સવાલો ઊભા થયા છે કે ગામમાં દારૂનું વેચાણ આટલા લાંબા સમયથી ચાલે છે તો પોલીસ કેમ અજાણ રહી? અગાઉ ક્યારેય કોઈ દરોડા કે પાબંધી કેમ લગાવવામાં આવી નથી? દારૂના અડ્ડા ચલાવતા તત્વોને કોનું પ્રોત્સાહન મળી રહ્યું છે? અરજી કર્યા બાદ હવે સમગ્ર રાવળીયાવદર ગામ અને આસપાસના વિસ્તારોની નજર પ્રાંત અધિકારી અને સુરેન્દ્રનગર પોલીસ તંત્ર પર મંડાયેલી છે. ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે માત્ર કાગળ પરની કાર્યવાહી કરવાને બદલે દારૂના અડ્ડાઓ પર કાયમી ધોરણે દરોડા પાડીને આ દૂષણને જડમૂળથી નાબૂદ કરવામાં આવે. જો તંત્ર દ્વારા ટૂંક સમયમાં કોઈ સચોટ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો આગામી સમયમાં વિરોધ પ્રદર્શન કે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.


