SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસને બેઠી કરવા પ્રદેશ નેતાઓના ધામા: પાયાનું સંગઠન મજબૂત કરવા આહ્વાન

2027ની ચૂંટણી પૂર્વે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ એક્શન મોડમાં: ટાઉનહોલ ખાતે યોજાઈ પ્રશિક્ષણ શિબિર

તા.29/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

2027ની ચૂંટણી પૂર્વે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ એક્શન મોડમાં: ટાઉનહોલ ખાતે યોજાઈ પ્રશિક્ષણ શિબિર, આગામી વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને ગુજરાત કોંગ્રેસે અત્યારથી જ પાયાનું સંગઠન મજબૂત કરવાની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોંગ્રેસને ફરી બેઠી કરવા અને સક્રિય કરવા માટે પ્રદેશ નેતાઓએ ધામા નાખ્યા છે. સુરેન્દ્રનગર શહેરના ટાઉનહોલ ખાતે જિલ્લા કોંગ્રેસના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને નેતાઓ માટે એક વિશેષ ‘પ્રશિક્ષણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ શિબિરમાં પ્રદેશ કોંગ્રેસ ઉપ-પ્રમુખ કુલદીપ શર્મા અને મહામંત્રી પંકજસિંહ વાઘેલા સહિતના શીર્ષ નેતાઓ ખાસ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ ધારાસભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ અલગ- અલગ જવાબદારી સંભાળતા પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન પ્રદેશ નેતૃત્વ દ્વારા જિલ્લાના સંગઠનને આક્રમક અને સક્રિય બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી કે પક્ષ છોડીને ગયેલા કાર્યકરો અને નેતાઓની યાદી તૈયાર કરી પ્રદેશ કક્ષાએ એકત્ર કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં પક્ષમાં જોડાયેલા નવા સભ્યોની યાદી પણ મેળવાઈ છે. નીચેથી લઈને ઉપર સુધીના માળખાને ફરી બેઠું કરવા અને બૂથ સ્તર સુધી સંગઠન મજબૂત કરવા આહ્વાન કરાયું છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા સોંપવામાં આવતા તમામ આંદોલનાત્મક અને જનસંપર્કના કાર્યક્રમો નિશ્ચિત સમયમર્યાદામાં પૂરા કરવા કડક સૂચના અપાઈ છે. આ પ્રશિક્ષણ શિબિરની સાથે પ્રદેશ નેતાઓએ રાજકીય ગરમાવો લાવી દીધો હતો. ભૂતકાળમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પૂર્વ નેતાઓના ઘરે પ્રદેશ નેતાઓએ વ્યક્તિગત મુલાકાત લીધી હતી. તેઓને ફરીથી કોંગ્રેસમાં જોડાવા અને પક્ષ માટે કામ કરવા સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસનું નવું અને મજબૂત માળખું તૈયાર કરવા માટે હવે પ્રદેશ નેતાઓના પ્રવાસો વધ્યા છે, ત્યારે કોંગ્રેસની આ નવી રણનીતિ આગામી ચૂંટણીઓમાં કેવો રંગ લાવે છે તેના પર સૌની નજર રહેશે.

Back to top button
error: Content is protected !!