DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રાના હાઈવે પર રૂ. 38 લાખના ખર્ચે નિર્મિત ‘સિંદૂર સર્કલ’નું ભવ્ય લોકાર્પણ: પાકિસ્તાની ટેન્ક અને કાયમી તિરંગો બનશે નવું નજરાણું

ઓપરેશન સિંદૂર'ના શૂરવીરો અને ભારતીય સેનાના શૌર્યને અંજલિ આપતો અનોખો પ્રકલ્પ

તા.30/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ઓપરેશન સિંદૂર’ના શૂરવીરો અને ભારતીય સેનાના શૌર્યને અંજલિ આપતો અનોખો પ્રકલ્પ, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના પ્રવેશદ્વાર સમાન નેશનલ હાઈવે પર આવેલ ગુરુકુળ ગેઈટ નજીક વર્ષોથી ખાલી પડી રહેલી જગ્યાનો સદુપયોગ કરીને નિર્માણ કરવામાં આવેલા ભવ્ય ‘સિંદૂર સર્કલ’નું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. રૂ. 38 લાખના ખર્ચે આકાર પામેલું આ સર્કલ માત્ર શહેરના સૌંદર્યમાં વધારો નહીં કરે, પરંતુ દેશના સશસ્ત્ર દળોના પરાક્રમ અને ‘ઓપરેશન સિંદૂર’ની યાદને કાયમી ધોરણે અમર બનાવશે. નવનિર્મિત સિંદૂર સર્કલ ખાતે ભારતીય સેનાના શૌર્ય અને વિજયની સાક્ષી પૂરતી એક પાકિસ્તાની ટેન્કને પણ ખાસ પ્રદર્શન અર્થે મુકવામાં આવી છે. યુદ્ધક્ષેત્રમાં ભારતીય જવાનોના પરાક્રમનું પ્રતીક એવી આ ટેન્ક સ્થાનિક નાગરિકો તેમજ હાઈવે પરથી પસાર થતા મુસાફરો માટે રાષ્ટ્રપ્રેમની પ્રેરણા અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત, સર્કલ પર હંમેશાં રાષ્ટ્રધ્વજ ગૌરવભેર લહેરાતો રહે તે માટે કાયમી તિરંગાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ લોકાર્પણ પ્રસંગે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.જે. જાડેજા, સાંસદ ચંદુભાઈ શિહોરા તથા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી જે.ડી. પુરોહિત, વહીવટી તંત્રના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત પૂર્વે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નું પ્રસારણ નિહાળ્યું હતું. ત્યારબાદ સિંદૂર સર્કલની નિર્માણ યાત્રા, તેની વિશેષતાઓ અને દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરતી ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ સર્કલના નિર્માણથી ધ્રાંગધ્રા શહેરના પ્રવેશદ્વારને એક નવી જ ઓળખ મળી છે અને સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો છે.

Back to top button
error: Content is protected !!