સુરેન્દ્રનગર-વઢવાણ લોકમેળો: ભાવ નિયંત્રણ અને ફ્રી પાર્કિંગ અંગે કલેક્ટરને રજૂઆત

તા.30/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરેન્દ્રનગર અને વઢવાણ વિસ્તારમાં યોજાનારા લોકમેળામાં સામાન્ય અને ગરીબ-મધ્યમ વર્ગના લોકોને વેપારીઓની આર્થિક લૂંટનો ભોગ ન બનવું પડે તે માટે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત આવેદનપત્ર પાઠવી લોકહિતની વિવિધ રજૂઆતો કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર દ્વારા પાઠવવામાં આવેલા આ આવેદનપત્ર અને અખબારી યાદી મુજબ મુખ્યત્વે નીચે મુજબની માંગણીઓ અને સૂચનો રજૂ કરવામાં આવ્યા છે જેમાં રાઈડ્સ સંચાલકો દ્વારા દિવસ અને રાત્રિ દરમિયાન મનસ્વી રીતે અલગ-અલગ અને વધુ ભાવ ન વસૂલાય તે માટે તમામ રાઈડ્સની બહાર ફરજિયાત ભાવપત્રક પ્રદર્શિત કરવામાં આવે, ઠંડા પીણાં અને આઈસ્ક્રીમના સ્ટોલ પર એમ.આર.પી. કરતાં વધુ ભાવ લેવા સામે કડક રોક લગાવવામાં આવે, વાસી ખોરાકનું વેચાણ અટકાવવા ફુડ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટોલની નિયમિત તપાસ થાય અને મેળામાં ફુડ અધિકારીનો અલગ સ્ટોલ રાખવામાં આવે, મેળો માણવા આવતી જનતા પર આર્થિક બોજ ન પડે તે માટે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવી તેમજ મુલાકાતીઓની સરળતા માટે દિશા- નિર્દેશક બોર્ડ મુકવા, ચોરી અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ રોકવા માટે સમગ્ર મેળા પરિસરમાં સીસીટીવી કેમેરા ગોઠવી સુરક્ષા સુનિશ્ચિત કરવી, સાંસ્કૃતિક સ્ટેજ પ્રોગ્રામ અને ઓરકેસ્ટ્રા પાર્ટીઓ માટે કલાકારોને ચુકવાતી રકમમાં ટેન્ડર પદ્ધતિથી ભાવ મંજૂર કરી જાહેર કરવામાં આવે જેથી પ્રજાના નાણાંનો દુરૂપયોગ અટકે કોંગ્રેસ પ્રમુખે ભારપૂર્વક જણાવાયું છે કે મહાનગરપાલિકા દ્વારા મેળાના તમામ કોન્ટ્રાક્ટરો પાસે આ શરતોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે જેથી આમ જનતા આર્થિક લૂંટમાંથી બચીને લોકમેળાનો યોગ્ય આનંદ માણી શકે.


