કાલોલ તાલુકામાં ફરજ બજાવતા તલાટીનો ગોધરા ખાતે આપઘાત, ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર.

તારીખ ૩૦/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકામા તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા સુરસીંગ રાઠોડે ગોધરાની સુંદરશન સોસાયટી સ્થિત પોતાના ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા મહેસૂલી આલમ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મૂળ મોરવા હડફ તાલુકાના દેલોચ ગામના વતની અને હાલ ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલી સુંદરશન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા સુરસીંગભાઈ મસૂરભાઈ રાઠોડે કોઈ અગમ્ય કારણોસર આ અંતિમ પગલું ભર્યું હતું. જીવન ટૂંકાવતા પહેલાં તેમણે પોતાના પિતરાઈ ભાઈને ફોન કરીને આત્મહત્યા કરવા જઈ રહ્યા હોવાની જાણ પણ કરી હતી.પ્રાથમિક તપાસ અને સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, તાજેતરમાં રક્ષાબંધન તહેવાર દરમિયાન તેમના પરિવારમાં કોઈ બાબતે વિવાદ થયો હતો. આ પારિવારિક કલેશ કે માનસિક તણાવને કારણે તેમણે આ આકરું પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.બનાવ અંગે ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દીપકભાઈ મસુરભાઈ રાઠોડે જાણકારી આપતા સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક નિષ્ઠાવાન તલાટીના અચાનક આપઘાતથી પરિવારજનો અને સાથી કર્મચારીઓમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.






