IAS દિવ્યા મિત્તલે રાજીનામું આપી દીધું, 14 મહિનામાં 7 યુવાન IPS અધિકારીઓએ પણ નોકરી છોડી.

ઉત્તર પ્રદેશ કેડરના 2013 બેચના ચર્ચિત IAS અધિકારી દિવ્યા મિત્તલે 30 ઓગસ્ટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા 14 મહિનાની અંદર દેશભરમાં 7 યુવાન IPS અધિકારીઓએ (જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે) પણ પોતાની સેવાઓ છોડી દીધી છે. આ ઘટનાઓએ એ ચર્ચાને વેગ આપ્યો છે કે, આખરે કયા રાજ્યમાં સૌથી વધુ અમલદારો રાજીનામું આપી રહ્યા છે, અને આ પ્રતિષ્ઠિત નોકરીમાંથી નવી પેઢીના અધિકારીઓનોનો મોહભંગ કેમ થઈ રહ્યો છે.
સંસદીય અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) ના આંકડા મુજબ, કોઈ એક ચોક્કસ રાજ્યમાં રાજીનામાનું પૂર આવ્યુ નથી. જોકે, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના તાજેતરના હાઈ-પ્રોફાઈલ કિસ્સાઓ સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. DoPTના ઉપલબ્ધ આંકડામાં રાજીનામાનો રાજ્યવાર સ્પષ્ટ આંકડો આપવામાં આવ્યો નથી.
ઉત્તર પ્રદેશ: દેશમાં IAS અધિકારીઓના સૌથી વધુ મંજૂર થયેલા પદો (652) યુપીમાં છે. અહીં તાજો કિસ્સો દિવ્યા મિત્તલનો છે, જેમણે 13 વર્ષની સેવા બાદ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. IIT દિલ્હી અને IIM બેંગલોરમાંથી અભ્યાસ કર્યા બાદ લંડનની કરોડોની નોકરી છોડીને IAS બનેલા દિવ્યા મિત્તલ મિર્ઝાપુરના લહુરિયાદહ ગામમાં 75 વર્ષ પછી નળથી પાણી પહોંચાડવા માટે ખૂબ જાણીતા બન્યા હતા.
બિહાર: તાજેતરમાં બિહારથી બે IPS અધિકારીઓ, નુરુલ હોદા અને કામ્યા મિશ્રાએ રાજીનામું આપ્યું છે.
ઓડિશા: ભુવનેશ્વરમાં DCP પદે તૈનાત 37 વર્ષના યુવાન IPS અધિકારી જગમોહન મીણાએ પણ તાજેતરમાં રાજીનામું સોંપ્યું છે.
અન્ય રાજ્યો: મધ્ય પ્રદેશમાંથી અભિષેક તિવારી, આંધ્ર પ્રદેશમાંથી સિદ્ધાર્થ કૌશલ અને ઉત્તરાખંડમાંથી લોકેશ્વર સિંહે પણ તાજેતરમાં પોતાની સેવાઓ છોડી છે.
બિહારમાં કામ્યા મિશ્રાનું રાજીનામું રાજકારણમાં આવવાની કવાયત મનાઈ રહી છે, જ્યારે નુરુલ હોદાએ વક્ફ બોર્ડ બિલના વિરોધમાં રાજકીય વલણ અપનાવી નોકરી છોડી.
કોર્પોરેટ અને આંતરરાષ્ટ્રીય તકો: મધ્ય પ્રદેશના અભિષેક તિવારી સાયબર સિક્યોરિટી બિઝનેસમાં ગયા, આંધ્ર પ્રદેશના સિદ્ધાર્થ કૌશલ રિલિયન્સ કોર્પોરેટ સેક્ટરમાં જોડાયા, જ્યારે ઉત્તરાખંડના લોકેશ્વર સિંહ સંયુક્ત રાષ્ટ્ર (UN) ની નોકરી માટે વિદેશ ગયા.
અંગત સંતોષ અને નવા ક્ષેત્રો: દિવ્યા મિત્તલનું રાજીનામું પણ પોતાના અંગત લક્ષ્યો, લેખન અને સામાજિક કાર્યની દિશામાં એક પગલું મનાઈ રહ્યું છે.



