શહેરા સ્વામિનારાયણ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિમય વાતાવરણમાં દિવ્ય હિંડોળા ઉત્સવની પૂર્ણાહુતિ

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ જિલ્લાના શહેરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રતિવર્ષની પરંપરા મુજબ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દિવ્ય હિંડોળા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ સુદ-૧ (એકમ) થી શરૂ થયેલા આ મનોરમ્ય હિંડોળા ઉત્સવનો આજે શ્રાવણ વદ-૨ના રોજ છેલ્લો દિવસ હોય, હિંડોળા ઉત્સવની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થઈ રહી છે. આ દિવસો દરમિયાન મંદિરમાં બિરાજમાન ભગવાનના સ્વરૂપોને નિતનવા અને આકર્ષક શણગારેલા હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. શહેરા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો તથા દર્શનાર્થીઓ પ્રભુના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. ઉત્સવ દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં હરિભક્તો દ્વારા ભગવાનને હિંડોળે ઝુલાવવાની સાથે સાથે ભાવસભર ભજન-કીર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવનું વિશેષ આધ્યાત્મિક મહાત્મ્ય રહેલું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના લીલા ચરિત્રો દરમિયાન ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે અનેક સ્થળોએ હિંડોળા ઉત્સવો યોજીને ભક્તોને દિવ્ય સુખ આપ્યું હતું. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, ગ્રીષ્મ અને વર્ષા ઋતુના સંધિકાળે ભગવાનને શીતળ ઉપચાર અને ભક્તિભાવ અર્પણ કરવાના હેતુથી હિંડોળા ઝુલાવવાનો મહિમા છે. શ્રદ્ધાળુઓ જ્યારે પ્રભુને પોતાના પ્રેમરૂપી ભાવથી હિંડોળે ઝુલાવે છે ત્યારે તેમના મનની ચંચળતા દૂર થઈને ઈશ્વરના ચરણોમાં સ્થિર થાય છે. ઉત્સવના અંતિમ દિવસે પણ શહેરા અને સમગ્ર પંચમહાલ જિલ્લાના સર્વે હરિભક્તો દર્શન તથા સત્સંગ લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.





