
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભીલોડા પાસે બાઇક રોકાવી યુવક પર હુમલો કર્યાની ફરિયાદ-માથામાં લોખંડનો પંચ અને ચપ્પુ જેવા હથિયારથી ઈજા પહોંચાડી
જૂની અદાવતના મુદ્દે ગાળો બોલી મારામારીનો આક્ષેપ, માથામાં લોખંડનો પંચ અને ચપ્પુ જેવા હથિયારથી ઈજા અરવલ્લીના ભીલોડા તાલુકામાં જૂની અદાવતના મુદ્દે યુવકને રસ્તામાં અટકાવી મારામારી કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. મહેરૂ ગામની કૈલાશબેન સંજયભાઈ બાંગાએ ભીલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, તા. 28 ઓગસ્ટના રોજ બપોર બાદ અજયભાઈ સંજયભાઈ બાંગા અને તેમના કુટુંબી ભત્રીજા સુભાષભાઈ બાબુભાઈ ભગોરા મોટરસાઇકલ પર ભીલોડા ગયા હતા. મિત્રને મળ્યા બાદ બંને પરત મહેરૂ તરફ આવી રહ્યા હતા. દરમિયાન ભેટાલી બસ સ્ટેશન નજીક આરોપી કિરણકુમાર દીનેશભાઈ ગામેતી અને તેમના બનેવી સતીશભાઈ મંગળાભાઈ ઉર્ફે મંગો ડામોર સીએનજી રિક્ષા સાથે ઉભા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આક્ષેપ મુજબ, કિરણકુમાર ગામેતીએ અજયભાઈને ગાળો બોલી બાઇક ઉભી રખાવી હતી અને અગાઉની વાતને લઈને બોલાચાલી કરી હતી. ત્યારબાદ અજયભાઈની ફેટ પકડી થપ્પડ મારવામાં આવી હતી અને ખિસ્સામાંથી લોખંડનો પંચ કાઢી માથાના ભાગે માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.
આ દરમિયાન સતીશભાઈ ડામોરે પણ અજયભાઈના માથાના પાછળના ભાગે ચપ્પુ જેવા હથિયારથી હુમલો કરી ઈજા પહોંચાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સુભાષભાઈ વચ્ચે પડી અજયભાઈને વધુ મારમાંથી છોડાવ્યા બાદ બંને ફઈના ઘરે પહોંચ્યા હતા.અજયભાઈના માથામાંથી લોહી નીકળતું હોવાથી પરિવારજનો તેમને સારવાર માટે ભીલોડા કોટેજ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. સારવાર બાદ અજયભાઈને રજા આપવામાં આવતા પરિવારજનો ભીલોડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



