SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરના નગરા ગામે ગેરકાયદેસર રેતીના 3 વોશ પ્લાન્ટ પર પોલીસના દરોડા: રૂ.55 લાખનો મુદ્દામાલ જપ્ત

સીમમાંથી જેસીબી, હિટાચી મશીનરી અને વોશ પ્લાન્ટ ઝડપાયા: સ્થાનિકોની વારંવારની રજૂઆતો બાદ પણ તંત્ર સુતું રહ્યું

તા.31/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સીમમાંથી જેસીબી, હિટાચી મશીનરી અને વોશ પ્લાન્ટ ઝડપાયા: સ્થાનિકોની વારંવારની રજૂઆતો બાદ પણ તંત્ર સુતું રહ્યું, સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલી ખનીજ ચોરી સામે વહીવટી તંત્રની ઘોર બેદરકારી વચ્ચે જોરાવરનગર પોલીસે લાલ આંખ કરી છે. વઢવાણ તાલુકાના નગરા ગામની સીમમાં ધમધમતા ગેરકાયદેસર રેતીના 3 વોશ પ્લાન્ટ ઉપર જોરાવરનગર પોલીસે અચાનક દરોડો પાડીને રૂ.55,00,000 લાખનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તાજેતરમાં પડેલા વરસાદને કારણે ભોગાવો નદીમાં મોટા પ્રમાણમાં રેતી તણાઈને આવી હતી. આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને નગરા ગામની સીમમાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે 3 જેટલા રેતીના વોશ પ્લાન્ટ ઊભા કરી દેવામાં આવ્યા હતા. નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી બહાર કાઢી, તેને વોશ પ્લાન્ટમાં ધોઈને ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા ખાણ-ખનીજ વિભાગ, સ્થાનિક વહીવટી તંત્ર તેમજ વઢવાણ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવ્યા ન હતા. આખરે આ મામલે પોલીસ વિભાગને જાણ કરવામાં આવતાં જોરાવરનગર પોલીસની ટીમે નગરા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. જેમાં જપ્ત કરાયેલા મુદ્દામાલમાં જેસીબી મશીન નંગ 1 કિ.રૂ.30,00,000 અને હિટાચી મશીન નંગ 1 કિ.રૂ.10,00,000 તથા રેતી ધોવાના 3 વોશ પ્લાન્ટ અને મશીનરી રૂ.15,00,000 મળી કુલ રૂ. 55,00,000 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કરીને આગળની કાયદેસરની તપાસ અને દંડકીય કામગીરી માટે ખાણ- ખનીજ વિભાગને રિપોર્ટ સોંપવાની તજવીજ હાથ ધરી છે. વહીવટી તંત્રની ઊંઘ ઉડાડીને પોલીસે કરેલી આ આકસ્મિક કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ભારે કંપારી છૂટી ગઈ છે.

Back to top button
error: Content is protected !!