થાનગઢ દલિત હત્યાકાંડના 12 વર્ષ બાદ પણ ન્યાય ન મળતાં વધુ એક કરુણાંતિકા: મૃતક યુવકના પિતાએ ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી
12 વર્ષ પૂર્વે તરણેતરના મેળા દરમિયાન પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા પંકજ સુમરાના પિતા અમરશીભાઈએ જિંદગી ટૂંકાવી

તા.31/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

12 વર્ષ પૂર્વે તરણેતરના મેળા દરમિયાન પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા પંકજ સુમરાના પિતા અમરશીભાઈએ જિંદગી ટૂંકાવી, સુરેન્દ્રનગર જિલ્લાના બહુચર્ચિત થાનગઢ દલિત હત્યાકાંડમાં ૧૨ વર્ષ જેટલો સમય વિતી જવા છતાં પીડિત પરિવારોને ન્યાય ન મળવાના આક્ષેપ સાથે વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. સપ્ટેમ્બર ૨૦૧૨માં થયેલા પોલીસ ગોળીબારમાં પ્રાણ ગુમાવનાર ત્રણ યુવકો પૈકી એક પંકજ સુમરાના ૫૩ વર્ષીય પિતા અમરશીભાઈ સુમરાએ ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ ૨૦૧૨માં તરણેતરના મેળા દરમિયાન જૂથ અથડામણ બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં મેહુલ રાઠોડ, પંકજ સુમરા અને પ્રકાશ પરમાર નામના ત્રણ દલિત યુવકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે વિવાદ સર્જ્યો હતો. પીડિત પરિવારોનો આક્ષેપ છે કે આટલા વર્ષો વિતી ગયા હોવા છતાં આ કેસમાં યોગ્ય ન્યાયી ચુકાદો આવ્યો નથી અને સતત કોર્ટ-કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. લાંબા સમયથી ન્યાયની રાહ જોઈ રહેલા અને આર્થિક તથા માનસિક યાતના ભોગવી રહેલા અમરશીભાઈ સુમરાએ આખરે કંટાળીને થાનગઢ અને લાખામાંચી વચ્ચેથી પસાર થતી હાપા-મુંબઈ દુરંતો એક્સપ્રેસ ટ્રેન નીચે અચાનક ઝંપલાવી દીધું હતું. ઘટનાને પગલે રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી. એક તરફ પુત્રના અકાળે અવસાનનું દુઃખ અને બીજી તરફ દાયકાથી વધુ સમયથી ન્યાય મેળવવા માટેની આકરી લડાઈના અંતે પિતાએ પણ જીવન લીલા સંકેલી લેતાં સુમરા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટના બાદ દલિત સમાજ અને પીડિત પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે પુનઃ માંગ કરી છે કે આ કેસની ઝડપી સુનાવણી કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ પીડિત પરિવારે આ પ્રકારે પોતાનો જીવ ગુમાવવો ન પડે.


