MULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગરમાં 12 ફૂટના મહાકાય અજગરનું સફળ રેસ્ક્યૂ: ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો

વન્યજીવને ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત ઝબ્બે કરાતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો

તા.31/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વન્યજીવને ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત ઝબ્બે કરાતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો, સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકાના ભોજપરા ગામે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો તે સમયે ભયભીત થઈ ગયા જ્યારે તેમની નજર એક અંદાજે ૧૨ ફૂટથી પણ વધુ લાંબા અને મહાકાય અજગર પર પડી હતી. સીમ વિસ્તારમાં અચાનક આટલો મોટો અજગર આવી ચડતાં ખેડૂતો અને આસપાસના ગ્રામજનોમાં ભારે ચિંતા સાથે ફફડાટ વ્યાપી ગયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ખેડૂતોએ તાત્કાલિક ધોરણે સ્થાનિક જીવદયા પ્રેમીનો સંપર્ક સાધ્યો હતો. અજગરની માહિતી મળતાં જ જાણીતા જીવદયા પ્રેમી અશોકભાઈ મકવાણા ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સાથે જ ફોરેસ્ટ વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. અજગરનું કદ અત્યંત મોટું હોવાથી તેને કાબૂમાં લેવો પડકાર જનક હતો. જોકે, અશોકભાઈ મકવાણા અને વન વિભાગની સંયુક્ત ટીમે ભારે સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આશરે એક કલાકની ભારે જહેમત બાદ અજગરને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સફળતાપૂર્વક પકડી પાડવામાં આવ્યો હતો. કુદરતી રહેઠાણમાં સહી સલામત મુક્ત કરાયો રેસ્ક્યૂ કામગીરી પૂર્ણ થતાં જ ખેડૂતોએ મુક્તિનો શ્વાસ લીધો હતો. ત્યાર બાદ વન વિભાગની દેખરેખ હેઠળ આ મહાકાય અજગરને સુરક્ષિત રીતે ઊંડા જંગલ વિસ્તારમાં લઈ જઈને તેના કુદરતી રહેઠાણમાં છોડી મૂકવામાં આવ્યો હતો. ગ્રામજનોએ અજગરને મારવાને બદલે તેને રેસ્ક્યૂ કરાવીને વન્યજીવ સંરક્ષણનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ચોમાસાની ઋતુમાં ખેતરો, વાડીઓ અને માનવ વસાહતો નજીક સાપ તથા અજગર જેવા સરિસૃપો નીકળવાનું પ્રમાણ વધી જાય છે. આ અંગે નિષ્ણાતો અને વન વિભાગે લોકોને અપીલ કરી છે કે આવી સ્થિતિમાં વન્યજીવોને જાતે પકડવાનો કે મારવાનો પ્રયાસ ન કરવો, કારણ કે અજગર જેવા ભારેકાય સાપને ઉશ્કેરવા જોખમી સાબિત થઈ શકે છે. આવી ઘટના સમયે તુરંત વન વિભાગ કે પ્રશિક્ષિત રેસ્ક્યૂ ટીમનો જ સંપર્ક કરવો હિતાવહ છે.

Back to top button
error: Content is protected !!