SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણની લાખુંપોળ નજીક મનપાનો રોડ 4 ફૂટ બેસી ગયો: ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી

તંત્ર ઊંઘતું રહ્યું અને રોડ બેસી ગયો! વઢવાણમાં નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ

તા.31/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

તંત્ર ઊંઘતું રહ્યું અને રોડ બેસી ગયો! વઢવાણમાં નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ, સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા વિકાસ કામોમાં લોકશાહી અને ગુણવત્તાના લીરેલીરા ઉડી રહ્યા હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વઢવાણના ઐતિહાસિક ગઢની આજુબાજુ અને લાખુંપોળ વિસ્તાર નજીક મહાનગરપાલિકા દ્વારા અંદાજે છ મહિના પહેલા જ બનાવવામાં આવેલો નવો ડામર રોડ પ્રથમ વરસાદ કે સામાન્ય વપરાશમાં જ ધોવાઈ જઈને અંદાજે ચાર ફૂટ સુધી બેસી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મહાનગર પાલિકા દ્વારા વઢવાણ લાખુંપોળ વિસ્તારમાં રોડ રસ્તાના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવતી વખતે પાયાનું કામ મજબૂત કરવાના બદલે ભારે વેઠ ઉતારવામાં આવી હતી. હલકી કક્ષાનો ડામર વાપરીને, યોગ્ય પેચવર્ક કે બેઝ પૂરાણ કર્યા વગર જ ઉપરથી ડામરનું પડ ચડાવી દેવાયું હતું. જેના પરિણામે રોડની નીચે પોલાણ રહી જતા આખેઆખો રોડ જમીનમાં ગરકાવ થઈ ગયો છે અને મોટો ભુવો પડી ગયો છે. મેળા પૂર્વે મોટા અકસ્માતનો ખતરો
આગામી દિવસોમાં વઢવાણ ખાતે પરંપરાગત મેળો યોજાનાર છે, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ આ જ રસ્તેથી પસાર થવાના છે. રોડ અચાનક ચાર ફૂટ સુધી બેસી જતાં અને નીચે ભયાનક પોલાણ સર્જાતાં કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. સ્થિતિની ગંભીરતા જોઈને જાગૃત સ્થાનિક રહીશોએ તાત્કાલિક ધોરણે આ જોખમી વિસ્તારને કોર્ડન કરી દીધો છે જેથી કોઈ વાહન ચાલક કે પદયાત્રી ભુવામાં ખાબકે નહીં. કોન્ટ્રાક્ટર અને બેદરકાર અધિકારીઓ સામે તપાસની માંગ કરી અત્યાર સુધી માત્ર આર.સી.સી. ના રસ્તાઓ તૂટવાની ફરિયાદો ઉઠતી હતી, પરંતુ હવે તો નવાબનાવેલા ડામર રોડ પણ તાત્કાલિક ધોરણે ધડાધડ બેસી જતા પાલિકાના ‘વિકાસ’ના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કરતા માંગ કરી છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ આ રોડનું યુદ્ધના ધોરણે રીનોવેશન કામ શરૂ કરાવે, માત્ર કાગળ પર કામ બતાવીને ગેરરીતિ આચરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, કામગીરીનું સુપરવિઝન કરવામાં નિષ્ફળ રહેલા જવાબદાર એન્જિનિયરો અને અધિકારીઓ સામે પણ તપાસ હાથ ધરવામાં આવે તેમ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!