નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયાના અધ્યક્ષસ્થાને અનેક વિકાસલક્ષી કામોને બહાલી અપાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભા દેવીનાપાર્ક સ્થિત ટાઉન હોલના કોન્ફરન્સ રૂમમાં મેયર અશોકભાઈ ધોરાજીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. શહેરના સર્વાંગી વિકાસ અને વહીવટને વધુ સુદૃઢ બનાવવા માટે યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિકાસલક્ષી અને લોકહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા બાદ અનેક કામોને બહાલી આપવામાં આવી હતી.
સભામાં ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા નરેશ પુરોહિત, દંડક રાકેશભાઈ પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌરાંગ વસાણી, જે.યુ. વસાવા સહિત તમામ વોર્ડના કોર્પોરેટરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સભાની શરૂઆતમાં અગાઉની સામાન્ય સભાની કાર્યવાહી અને એજન્ડામાં સમાવિષ્ટ વિવિધ કામોને બહાલી આપવામાં આવી હતી. શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેતા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સમિતિની રચના કરવા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
સાંસદની વર્ષ 2023-24ની ગ્રાન્ટ હેઠળ સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત શેઠ પુરુષોત્તમદાસ હરજીવનદાસ વિદ્યાલયમાં શૌચાલય બનાવવાની કામગીરીને પણ સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી.
મેયરશ્રીના અધ્યક્ષસ્થાનેથી રજૂ થયેલા મુદ્દાઓમાં નવરચિત મહાનગરપાલિકાઓના કોર્પોરેટરોના માનદ વેતનની મહત્તમ મર્યાદા નક્કી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત મહાનગરપાલિકાના મહેકમમાં વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની નિયત જગ્યાઓમાં દિવ્યાંગતા અંગેના માપદંડો નક્કી કરવા તેમજ વિવિધ ખાસ સમિતિઓના અધિકાર અને કાર્યક્ષેત્ર અંગેના નિયમોને મંજૂરી આપવામાં આવી હતી.
શહેરી વિસ્તારની આંગણવાડીઓ મહાનગરપાલિકા હસ્તક લેવા અંગે પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આંગણવાડીઓનું સંચાલન વધુ સુચારુ બને અને બાળકો તથા મહિલાઓને વધુ સારી સુવિધાઓ મળી રહે તે દિશામાં આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
શહેરની સ્વચ્છતા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-2016ના અમલીકરણ તથા મહાનગરપાલિકાના બાયલોઝમાં જરૂરી સુધારા-વધારા કરવાના પ્રસ્તાવને પણ સભામાં બહાલી આપવામાં આવી હતી.
આમ, નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શિક્ષણ, સ્વચ્છતા, આંગણવાડી વ્યવસ્થા અને વહીવટી માળખાને વધુ મજબૂત બનાવતા વિવિધ નિર્ણયો લેવાયા હતા. સભાના અંતે મેયર અશોકભાઈ ધોરાજીયાએ તમામ પદાધિકારીઓ, કોર્પોરેટરો અને અધિકારીઓનો આભાર વ્યક્ત કરી નવસારી શહેરને વધુ સુવિધાસભર અને સ્વચ્છ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


