
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રવાસન વિકાસ અને પ્રવાસીઓની સુવિધાઓ વધારવા સ્થાનિક વહીવટીતંત્ર-હોટલ ઉદ્યોગ વચ્ચે સંકલન પર ભાર
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં નોટિફાઈડ એરિયા કચેરીના નવા અને કાયમી ચીફ ઓફિસર તરીકે કલ્પનાબેન આર. ચૌધરીએ પદભાર સંભાળી લીધો છે. તેમના આગમનને આવકારવા તથા નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવવા સાપુતારા હોટલ ઓનર્સ એસોસિએશન દ્વારા વિશેષ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં હોટલ એસોસિએશનના હોદ્દેદારો તેમજ સ્થાનિક વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ નવનિયુક્ત ચીફ ઓફિસર કલ્પના આર. ચૌધરીનું પુષ્પગુચ્છ અર્પણ કરી તથા શાલ ઓઢાડીને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે સાપુતારાના પ્રવાસન ક્ષેત્રના વિકાસ, પ્રવાસીઓ માટેની સુવિધાઓમાં વધારો, સ્વચ્છતા, પાયાની સુવિધાઓ તેમજ સ્થાનિક વેપારીઓને લગતા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્ર અને પ્રવાસન ઉદ્યોગ વચ્ચે વધુ સારા સંકલન દ્વારા સાપુતારાના સર્વાંગી વિકાસને વેગ આપવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
સાપુતારા હોટલ એસોસિએશનના સેક્રેટરી તુકારામભાઈ કર્ડિલેએ જણાવ્યું હતું કે, કલ્પના ચૌધરીના કાર્યકાળ દરમિયાન સાપુતારાની સુંદરતા જાળવવા સાથે પાયાની સુવિધાઓમાં પણ વધુ સુધારો થશે અને પ્રવાસન ક્ષેત્રને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે.
નવનિયુક્ત ચીફ ઓફિસર કલ્પના આર. ચૌધરીએ પણ સ્થાનિક વહીવટીતંત્ર અને હોટલ-પ્રવાસન ઉદ્યોગ વચ્ચે યોગ્ય સંકલન જાળવી સાપુતારાના વિકાસ માટે જરૂરી પ્રયાસો કરવાની તત્પરતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે હોટલ એસોસિએશન તથા સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવેલા સ્વાગત બદલ સૌનો આભાર માન્યો હતો.
નવા ચીફ ઓફિસરના આગમન સાથે સાપુતારાના પ્રવાસન વિકાસને નવી ગતિ મળવાની સ્થાનિકોમાં આશા જાગી છે.



