GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી શહેરના જલાલપોરમાં તેલના ડબ્બા મંગાવી છેતરપિંડી કરનાર બે શખ્સ ઝડપાયા

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સહકારી ખરીદ-વેચાણ સંઘમાં ખોટી ઓળખ આપી તેલના ડબ્બા મેળવી છેતરપિંડી કરવાના ગુનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તા. 4 ઓગસ્ટ, 2026ના રોજ સહકારી ખરીદ-વેચાણ સંઘના મેનેજર સંજયભાઈ દેસાઈના મોબાઇલ પર અજાણ્યા ઇસમનો ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ સંઘમાં કામ કરતા સેલ્સમેન સાથે પોતાની વાત થઈ હોવાનું જણાવી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ તેણે તિરુપતિ કપાસિયા તેલના 8 ડબ્બા રિક્ષા મારફતે મોકલવાનું કહી તેના પેમેન્ટ પેટે ચેક આપ્યો હતો.

આ ઉપરાંત તા. 5 ઓગસ્ટના રોજ પણ અજાણ્યા ઇસમે ફોન કરી રાજમોતી તેલના વધુ 8 ડબ્બા રિક્ષામાં મોકલવા જણાવ્યું હતું અને પેમેન્ટ માટે ચેક આપ્યો હતો. બંને ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયા હતા. ત્યારબાદ ફોન કરનાર વ્યક્તિનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેનો મોબાઇલ બંધ મળી આવ્યો હતો.

શંકા જતા સંઘના મેનેજરે તપાસ કરી હતી, પરંતુ આરોપીઓનો કોઈ પત્તો ન મળતાં આખરે તા. 29 ઓગસ્ટના રોજ જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે મોહમદ ઇકબાલ ઇબ્રાહીમ કોઠીવાળા (ઉં.વ. 52, વેપાર, સુરત) અને **સરફરાઝ મો. ઉવેસમીર ઇકબાલભાઈ કાસમાણી (ઉં.વ. 42, વ્યવસાય-ઘરદલાલી, સુરત)**ની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન બંનેએ ગુનાની કબૂલાત કરી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ ખોટા નામ ધારણ કરી અન્ય વ્યક્તિ પાસેથી ચીજવસ્તુઓ મેળવી લઈ ફરાર થઈ છેતરપિંડી કરવાની રીત અપનાવતા હતા.

આ સમગ્ર કાર્યવાહી જલાલપોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.પી. ચૌધરી તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 318(4) અને 319(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!