JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીનો ધમધમાટ

જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતાએ રીહર્સલનું નિરક્ષણ કર્યું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થવાની છે, ત્યારે આ રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણીમાં મધ્યપ્રદેશ પોલીસ, ભારતીય તટ રક્ષક દળ, ચેતક અને મરીન કમાન્ડો, બીએસએફ સહિતના દળના ૧૮૦૦થી વધુ જવાનો શિસ્તબદ્ધ પરેડ કરશે અને રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ પરેડમાં ગુજરાત શ્વાન દળ અને અશ્વદળ પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે.
આજે ૨૬મી જાન્યુઆરીએ ધ્વજવંદન થવાનું છે, તે પોલીસ તાલીમમાં મહાવિદ્યાલયના પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ વિભાગ સહિતના જવાનોએ ઉત્સાહભેર રીતે પોલીસ બેન્ડની સુર સુરાવલીઓ સાથે કદમતાલ મિલાવી પરેડનું રિહર્સલ કર્યું હતું.
આ રિહર્સલના નિરીક્ષણ માટે જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમણે પરેડની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અંતે જણાવ્યું કે, પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીની પરેડમાં ભાગ લેવો તે ગૌરવરૂપ છે, આ પરેડને ઉપસ્થિત મહાનુભાવો અને લોકો ઉપરાંત ઈન્ટરનેટના માધ્યમથી લાખો લોકો નિહાળશે ત્યારે આપણા મન મસ્તિષ્કનું ધ્યાન પરેડ પર રહેવું જોઈએ. તેમણે રાજ્યભરમાંથી આવેલા જવાનોને રહેવા-જમવા ઉપરાંત અન્ય કોઈ તકલીફ હોય તો પણ ધ્યાન દોરવા માટે જવાનોને જણાવ્યું હતું.
નાયબ પોલીસ અધિક્ષકશ્રી વિજયસિંહ પરમારની નિગરાની હેઠળ પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

૨૬મી જાન્યુઆરીની પરેડમાં ભાગ લેનાર ૨૫ પ્લાટુન
૨૬ જાન્યુઆરીની પરેડમાં ભાગ લેનાર ૨૫ પ્લાટુનમાં ભારતીય તટ રક્ષક દળ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, મધ્ય પ્રદેશ રાજ્ય પોલીસ, ચેતક કમાન્ડો ફોર્સ, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, SRP જૂથ-૮ ગોંડલ, SRP જૂથ ૨૧ બાલાનીવાવ-રાજુલા, ગુજરાત જેલ વિભાગ, પોરબંદર જિલ્લા પોલીસ, ગીર સોમનાથ જિલ્લા પોલીસ, અમરેલી જિલ્લા પોલીસ, ભાવનગર જિલ્લા પોલીસ, રાજકોટ શહેર મહિલા પોલીસ, જૂનાગઢ જિલ્લા પોલીસ-મહિલા, રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ- મહિલા, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ, જૂનાગઢ હોમગાર્ડસ, જૂનાગઢ ગ્રામ્ય રક્ષક દળ(GRD), NSS અને NCC પ્લાટુન, જૂનાગઢ જિલ્લા સ્ટુડન્ટ પોલીસ કેડેટ(SPC), ગુજરાત અશ્વદળ, ગુજરાત શ્વાનદળ અને SRP પ્રાસ બેન્ડનો સમાવેશ થાય છે.

Back to top button
error: Content is protected !!