શહેરાની સરકારી વિનયન કૉલેજમાં અષાઢના પ્રથમ દિવસે કાલિદાસ જયંતીની ઉજવણી અને નૂતન વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો

પંચમહાલ શહેરા:-
નિલેશકુમાર દરજી શહેરા
શહેરા સ્થિત સરકારી વિનયન કૉલેજના સંસ્કૃત વિભાગ દ્વારા અષાઢ મહિનાના પ્રથમ દિવસે મહાકવિ કાલિદાસ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસરે કૉલેજમાં નવપ્રવેશ મેળવનાર નૂતન વિદ્યાર્થીઓ માટે એક વિશેષ અભિવાદન કાર્યક્રમ પણ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સેમેસ્ટર ૧ ના નવા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી, પુષ્પ આપીને તેમજ મોં મીઠું કરાવીને ઉત્સાહભેર વર્ગખંડમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય અને દેશભક્તિના સૂર રેલાવતા વંદે માતરમ્ના સામૂહિક ગાન સાથે કાર્યક્રમનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ રંગારંગ કાર્યક્રમમાં અગાઉના સેમેસ્ટરમાં પ્રથમ ક્રમ મેળવી કૉલેજનું ગૌરવ વધારનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ આપીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. શૈલેષ રાઉલજીએ ઉપસ્થિત સૌ મહેમાનો અને વિદ્યાર્થીઓનું શબ્દોથી સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે નવા આવેલા વિદ્યાર્થીઓને સંસ્કૃત વિભાગની વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સાંસ્કૃતિક પ્રસ્તુતિ અંતર્ગત વિદ્યાર્થીઓએ ‘कालिदासो जने जने कण्ठे कण्ठे संस्कृतम् ‘ગીતનું સુંદર ગાન કર્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓએ સંસ્કૃત સાહિત્યના શિખર સમાન મહાકવિ કાલિદાસના જીવન અને તેમની અમર સાહિત્યિક કૃતિઓનો સવિસ્તાર પરિચય આપતા શ્લોકોનું મધુર પઠન કર્યું હતું. વિભાગના પ્રાધ્યાપક ડૉ. રાહુલભાઈ ત્રિવેદીએ મહાકવિ કાલિદાસના જીવન વિશે વાત કરી હતી. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન સેમેસ્ટર ૫ ની વિદ્યાર્થિનીઓ દિવ્યાબેન અને આશાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.






