BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાયો: ૩૮૭ યુવાનોને સ્થળ પર જ નોકરીની ઓફર અપાઈ

18 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના યુવાનોને ઘર આંગણે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના ઉમદા આશય સાથે જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા આજે નગરપાલિકા હોલ ખાતે જિલ્લા કક્ષાનો ભવ્ય રોજગાર ભરતીમેળો યોજવામાં આવ્યો હતો. આ ભરતીમેળામાં વોલ્ટાસ બેકો પ્રા.લી. (વિઠલાપુર), મિત્સુબિશી ઇલેક્ટ્રિક ઓટોમોટિવ ઇન્ડિયા પ્રા.લી. (સાણંદ), ટાટા ઓટોકોમ્પ ગોટીન ગ્રીન એનર્જી પ્રા.લી. (સાણંદ), જે.બી.એમ. પ્રા.લી. (વિઠલાપુર), અરવિંદ મિલ્સ લિમિટેડ (ખાત્રેજ), વેલસ્પન લિવિંગ પ્રા.લી. (અંજાર), યુનો મિંડા લાઇટિંગ પ્રાઇવેટ લિમિટેડ (વિઠલાપુર) અને જે.એન.એસ. પ્રા.લી. (વિઠલાપુર) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સહિત કુલ ૧૫ નોકરીદાતાઓ હાજર રહ્યા હતા.
આ ભરતીમેળામાં બનાસકાંઠા જિલ્લાના કુલ ૬૩૫ જેટલા ઉત્સાહી ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી સઘન ઇન્ટરવ્યૂ પ્રક્રિયાના અંતે કુલ ૩૮૭ ઉમેદવારોને વિવિધ કંપનીઓ દ્વારા નોકરી માટેની ઓફર આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી શ્રી એમ.જે. પ્રજાપતિએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, રોજગાર ભરતીમેળા સ્થાનિક યુવાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે અને રોજગાર કચેરી દ્વારા આવા આયોજનો સતત કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, યુવાનોએ નોકરી મેળવ્યા બાદ પણ આજના આધુનિક યુગમાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને અન્ય ટેકનિકલ કોર્સ શીખવા પર ભાર મૂકવો જોઈએ, જેથી ભવિષ્યમાં પ્રમોશન અને કારકિર્દીના વિકાસમાં સરળતા રહે.આ ભરતીમેળાની એક વિશેષતા એ રહી હતી કે, વર્ષ દરમિયાન સહયોગ આપનાર નોકરીદાતાઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ નવતર અભિગમ બદલ નોકરીદાતાઓએ પણ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર આયોજન બનાસકાંઠાના યુવાનો માટે રોજગારલક્ષી દિશામાં એક મહત્વનું કદમ બની રહ્યું છે.

Back to top button
error: Content is protected !!