Rajkot: રાજકોટ શહેરમાં મેજર ધ્યાનચંદના નામને સાર્થક કરતું હોકીનું ટર્ફ મેદાન : નિઃશુલ્ક કોચિંગ મેળવી ૩૮ દીકરીઓએ નેશનલ લેવલ સુધી હીર ઝળકાવ્યું

તા.૨૯/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન – રાજકુમાર
ગુજરાતના પ્રથમ મહિલા અમ્પાયર શ્રી ઋતુ ધીંગાણી ગુજરાત ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે
શ્રી બંસરી સોલંકી ભારતીય મહિલા ટીમમાં ગોલ કીપર તરીકે સેવા આપે છે
શ્રી દેવિકા વાઘેલા ઇન્ડિયા કેમ્પમાં કોચિંગ મેળવી ચૂક્યા છે
Rajkot: સમગ્ર ગુજરાતમાં આજથી હોકીનાં જાદુગર ગણાતાં ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિની ત્રિ-દિવસીય શાનદાર ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મેજર ધ્યાનચંદના સમયે હોકી ઓલિમ્પિકમાં ભારતનો સુવર્ણકાળ હતો. આ વારસાને આગળ ધપાવવા ભારતીય હોકી ખેલાડીઓ અવિરત પ્રગતિ કરી રહ્યા છે, જેમાં રાજકોટ પણ પાછળ નથી.
રાજકોટમાં મેજર ધ્યાનચંદના નામને સાર્થક કરતું હોકી ટર્ફ મેદાન ખાતે નિઃશુલ્ક કોચિંગ આપવામાં આવે છે. જેની ફલશ્રુતિરૂપે અનેક દીકરીઓને ભારતનું નામ રોશન કરવાની તક મળી રહી છે. હાલ રાજકોટ ખાતે કોચિંગ મેળવતી ૩૮ જેટલી દીકરીઓ નેશનલ લેવલ સુધી હોકીમાં ભાગ લઇ ચૂકી હોવાનું કોચ શ્રી મહેશ દિવેચા જણાવે છે. આ ટર્ફ મેદાન હોકી રમતવીરોનું પ્રિય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સમાં તૈયાર કરાયેલા આ મેદાનમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની અનેક સ્પર્ધાઓ રમવામાં આવે છે. આ મેદાને વર્ષ ૨૦૨૨માં નેશનલ હોકી સ્પર્ધાની યજમાની કરી છે. ત્યારે આ ગ્રાઉન્ડ પર છેલ્લા ૨૫ વર્ષથી કોચિંગ આપતા હોકી ગુજરાતના વાઇસ પ્રેસિડન્ટ અને કોચ શ્રી મહેશ દિવેચા ખેલાડીઓને સતત માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
શ્રી મહેશભાઈ મહિલા ખેલાડીઓની સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે, રાજકોટનાં શ્રી ઋતુ ધીંગાણી ગુજરાત ટીમનાં કેપ્ટન રહી ચુક્યા છે. જ્યારે ભારતીય મહિલા હોકી ટીમમાં ગોલ કીપર તરીકે રમતા શ્રી બંસરી સોલંકીએ રાજકોટમાં જ કોચિંગ મેળવેલું છે. તો શ્રી દેવિકા વાઘેલા પણ હોકી નેશનલ કેમ્પમાં ભાગ લઈ ચૂક્યા છે.
હોકી પ્લેયર શ્રી ઋતુ ધીંગાણી તેની સફળતાનો શ્રેય રાજકોટમાં હોકી મેદાન ખાતે મેળવેલા કોચિંગ અને તેનાં કોચને આપતા જણાવે છે કે, હું ૧૦ થી વધુ વખત ગુજરાત ટીમ વતી નેશનલ રમી ચૂકી છું તથા ગુજરાતની પહેલી હોકી પ્રશિક્ષિત નેશનલ મહિલા અમ્પાયર છું. જ્યારે ગુજરાત હોકી ફેડરેશનમાં કમિટી મેમ્બર બનવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા રમત-ગમત ક્ષેત્રનાં વિકાસ માટે અવિરત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે જેનાં ભાગરૂપે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પણ રમતગમતનાં મેદાનો, ઇન્ડોર સ્ટેડિયમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ ખાતે હોકી માટે શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે નિઃશુલ્ક કોચિંગ પણ મળી રહેતા સામાન્ય પરિવારની દીકરીઓ રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરવા તરફ સતત આગળ વધી રહી છે.







