GUJARATIDARSABARKANTHA

હિંમતનગર તાલુકાના અડપોદરા ગામમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાના તાલુકા પંચાયતના સ્પષ્ટ આદેશ છતાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા હજુ સુધી કોઈ જ અમલવારી કરવામાં આવી નથી

હિંમતનગર તાલુકાના અડપોદરા ગામમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાના તાલુકા પંચાયતના સ્પષ્ટ આદેશ છતાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા હજુ સુધી કોઈ જ અમલવારી કરવામાં આવી નથી.અડપોદરા ગામના રહીશ કાળીબેન ધીરજભાઈ રાવળ દ્વારા તેમના પ્લોટ આગળના મુખ્ય રસ્તા પર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી. આ અરજીના પગલે ગત ૧૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી.અધિકારીઓની હાજરીમાં કરાયેલી માપણી અને પંચનામા દરમિયાન સામે આવ્યું હતું કે રાવળ અરજણભાઈ રણછોડભાઈ દ્વારા નિયત પરવાના કરતાં પાંચ ફૂટ જેટલું વધારે દબાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાવળ પ્રવીણભાઈ રમેશભાઈને ગ્રામ પંચાયત દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં તેમણે કોઈ આધાર-પુરાવા રજૂ કર્યા ન હોવાથી તેમનું મકાન પણ ગેરકાયદેસર દબાણમાં હોવાનું સાબિત થયું હતું. તેમજ જાહેર રસ્તામાં નડતરરૂપ એક નાનું મંદિર પણ દબાણ હેઠળ હોવાનું સરકારી તપાસમાં બહાર આવ્યું હતું.આ તમામ ગેરકાયદેસર દબાણોને તાકીદે દૂર કરવા માટે હિંમતનગર તાલુકા પંચાયત દ્વારા અડપોદરા ગ્રામ પંચાયતને લેખિતમાં કડક આદેશ કરવામાં આવ્યો હતો જોકે આ સરકારી હુકમને બે અઠવાડિયા જેટલો સમય વીતી ગયો હોવા છતાં, સ્થાનિક ગ્રામ પંચાયત તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ દબાણકારો સામે હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. વહીવટી તંત્રની આ નિષ્ક્રિયતા અને લાલિયાવાડીને કારણે ન્યાયની આશા રાખતા અરજદાર અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી આદેશો માત્ર કાગળ પર જ રહી જતા હોવાનો અહેસાસ ગ્રામજનો કરી રહ્યા છે, ત્યારે હવે ઉચ્ચ વહીવટી તંત્ર આ આદેશની કડક અમલવારી ક્યારે કરાવશે તે જોવું રહ્યું.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!