GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પોલીસની SHE ટીમની અનોખી પહેલ: રક્ષાબંધને સિનિયર સિટીઝન દંપતીને બાંધી સ્નેહની રાખડી, ભાવુક દ્રશ્યો સર્જાયા.

તારીખ ૨૯/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા સ્થિત વેજલપુર પોલીસ સ્ટેશન દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે પોલીસિંગની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) જી. કે. વહુનીયાના સીધા માર્ગદર્શન હેઠળ ‘SHE Team’ દ્વારા વિસ્તારના રજિસ્ટર્ડ સિનિયર સિટીઝન દંપતીના ઘરે જઈ પારિવારિક માહોલમાં રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી.

વેજલપુર પોલીસ સ્ટેશનમાં ‘SHE Team’ પોર્ટલ અંતર્ગત રજિસ્ટ્રેશન નંબર 2411289***** થી નોંધાયેલા વડીલ દંપતી મહેન્દ્રભાઈ કંચનલાલ સોની (ઉંમર વર્ષ 72) તથા શ્રીમતી ગીતાબેન મહેન્દ્રભાઈ સોની (ઉંમર વર્ષ 67)ના નિવાસસ્થાને ‘SHE Team’ના સભ્યો પહોંચ્યા હતા. ટીમમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલ મેનકાબેન તથા હેડ કોન્સ્ટેબલ ક્રિષ્ણાબેને પરંપરાગત રીતે પૂજાની થાળી સજાવી કુમકુમ તિલક, અક્ષત અને મીઠાઈ સાથે વડીલ મહેન્દ્રભાઈને રાખડી બાંધી હતી અને તેમના દીર્ઘાયુષ્ય તેમજ સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી. ખાખી વર્દીમાં સજ્જ પોલીસ બહેનોને પોતાના આંગણે સ્નેહપૂર્વક રાખડી બાંધતા જોઈ વૃદ્ધ દંપતી અત્યંત ભાવુક બન્યું હતું અને પોલીસ ટીમને આશીર્વાદ આપ્યા હતા.

વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વડીલોને સુરક્ષાની સાથે એકલતાનો અહેસાસ ન થાય તે હેતુથી ‘SHE Team’ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે ટીમ દ્વારા નોંધાયેલા સિનિયર સિટીઝન્સ સાથે અવારનવાર ટેલિફોનિક સંપર્ક સાધીને તેમજ રૂબરૂ મુલાકાત લઈને તેમની સુખાકારી અંગે પૃચ્છા કરવામાં આવે છે. દીવાળી, હોળી કે રક્ષાબંધન જેવા તમામ વાર-તહેવારો દરમિયાન ટીમ દ્વારા વડીલોના ઘરે ખાસ મુલાકાત લઈ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેથી તેઓ સમાજ અને પરિવાર સાથે જોડાયેલા અનુભવે. આકસ્મિક બીમારી, સ્વાસ્થ્ય સંબંધી તકલીફ કે કોઈપણ પ્રકારની મુશ્કેલીના સમયે દિવસ-રાત 24 કલાક કોઈપણ સમયે વેજલપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા દંપતીને આશ્વાસન અને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે. વેજલપુર પોલીસની આ સંવેદનશીલ અને પ્રજાભિમુખ કામગીરીને સ્થાનિક નગરજનો, આગેવાનો તેમજ સમગ્ર પંચમહાલ પંથકમાં વ્યાપક આવકાર અને પ્રશંસા મળી રહી છે.

Back to top button
error: Content is protected !!