RAMESH SAVANI

કોઈની હત્યા કરવાથી ધર્મનો જયજયકાર થઈ જાય?

દરેક ધર્મ; સત્ય/ અહિંસા/ ક્ષમા/ ન્યાય/ ધૈર્ય/ અસ્તેય-ચોરી ન કરવી/શૌચ-ભીતર અને બાહ્ય પવિત્રતા/ વિદ્યા/ ઈન્દ્રિય નિગ્રહ-સંયમ/દયા/ દાન/ શાંતિ પર ભાર મૂકે છે. ધર્મનો પાયો નૈતિકતા પર હોય છે. પરંતુ વાસ્તવમાં શું જોવા મળે છે? ધાર્મિક લોકો હિંસા/ ધૃણા/નફરત/ અસ્પૃશ્યતા/ ચોરી/ છેતરપિંડી/ વિશ્વાસઘાત/ અવિદ્યા-અંધશ્રદ્ધા / અસત્ય/ અપવિત્રતા-ભ્રષ્ટ આચાર/ ક્રોધ/ અશાંતિ/ અન્યાયના રસ્તે ચાલતાં હોય છે ! ધર્મની ટૂંકી વ્યાખ્યા એ છે કે માણસને માણસાઈ શીખવે તે ધર્મ ! માણસને ઘાતકી બનાવે તે અધર્મ ! ધર્મનો સાચો અર્થ એ હતો કે લોકોને અન્યાય ન થાય, અત્યાચાર ન થાય અને લોકો ખુશીથી પોતાનું જીવન જીવે પણ જેમ જેમ ધર્મોનો પ્રચાર વધ્યો તેમ તેમ માનવતા ઘટી અને અશાંતિ/હિંસા વધતી ગઈ. મંદિરો અને મસ્જિદો વધે તેમ અશાંતિ/ હિંસા ઘટવા જોઈએ પણ ઉલટું થયું માણસાઈ નેવે મુકાઈ ગઈ ! દરેક ધર્મના લોકો પોતાના ધર્મગ્રંથોનું સત્ય જ આખરી માને છે. પોતાનો ધર્મગ્રંથ જ સાચો એવા હઠાગ્રહમાંથી ધર્મજડતા ઊભી થાય છે ! અને માણસ, માણસ મટી ધર્મનું હથિયાર બની જાય છે. કોઈ પણ સમાજ કે માનવી જેટલો ધાર્મિક કટ્ટરતાથી દૂર રહે તેટલો વધુ સુખી રહે ! વિકસિત બને, જીવનનો સાચો આનંદ માણી શકે ! દુનિયાના પ્રગતિશીલ દેશો આનું ઉદાહરણ છે !
દરેક ધર્મની એક ખાસિયત છે કે તે અન્ય ધર્મોને છેતરપિંડી માને છે, ખોટા માને છે ! આ મુજબ દરેક ધર્મ ખોટા ઠરે ! બીજી ખાસિયત એ છે કે ધર્મોથી સાચી એકતા પ્રગટી શકતી નથી. જો એકતા પ્રગટી શકતી હોય તો એક પણ ધર્મમાં/ સંપ્રદાયમાં ફાંટા પડ્યા ન હોય ! અને ફાંટાઓ વચ્ચે સંઘર્ષ થયો ન હોય ! ફાંટા પડવાનું કારણ એ છે કે એક પણ ધર્મ ઈશ્વરે બનાવેલ નથી, પરંતુ જે તે ધર્મની સ્થાપના સમાજના નિયમન માટે દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર મહાપુરુષે કરેલ હતી. હેતુ સારો હતો, પરંતુ ધર્મગુરુઓએ ધર્મનો ઉપયોગ પોતાની સત્તા માટે કર્યો. સમય જતાં ઝઘડા થયા, ફાંટાઓ પડ્યા. ઉદાહરણ તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદજીએ 1826 માં શિક્ષાપત્રી લખી અને તેમનું અવસાન 1 જૂન 1830ના રોજ થયું. 200 વરસ પૂરા થયા નથી, ત્યાં આ સંપ્રદાયના 10થી વધુ ફાંટા પડી ગયા છે અને એકબીજાને ‘વિમુખ’ કહે છે ! આ સંપ્રદાય સહજાનંદજીને ‘અવતારના અવતારી’ અને ‘સર્વોપરી ભગવાન’ માને છે, છતાં આ હાલત થઈ છે ! ‘ઈસ્લામ’ શબ્દનો અર્થ ‘અલ્લાહના આજ્ઞાંકિત/ શાંતિ’ એવો થાય છે. ઈરાન/ ઈરાક/ બેહરીન/ યમન/ અઝરબૈઝાનમાં શિયા બહુમતીમાં છે, બીજે લઘુમતીમાં છે. શિયા સુન્ની વચ્ચે નફરત/હિંસા વધી રહી છે ! ઈરાન-ઈરાક યુદ્ધ 1980 થી 1988 સુધી ચાલ્યું તેમાં 10 લાખથી વધુ લોકોના જીવ ગયા હતા !
ધર્મ જો નૈતિક આચરણ શીખવતો હોય તો તેની સામે વાંધો ન હોય; પરંતુ ધર્માના નામે ધર્મઝનૂની લોકો મહિલાઓ/ બાળકોની હત્યાઓ કરે તે કેટલે અંશે ‘ધાર્મિક’ કહેવાય? ગુજરાતના રમખાણો સૂચવે છે કે હિન્દુ અને મુસ્લિમો અનેક વખત પોતાનો ધર્મ ચૂક્યા છે ! જો ધર્મ કટ્ટરતા પ્રગટાવતો હોય તો તે ધર્મનું વિકૃત પાસુ કહી શકાય ! કોઈની હત્યા કરવાથી ધર્મ/ જ્ઞાતિ/ જાતિ/ વર્ણ/ રંગ/ પ્રદેશનો જયજયકાર કઈ રીતે થઈ જાય? Robert Green Ingersoll (11 ઓગસ્ટ 1833/ 21 જુલાઈ 1899) નું પ્રખ્યાત વાક્ય છે : “Religion can never reform mankind because religion is slavery-ધર્મ ક્યારેય માનવજાતને સુધારી શકતો નથી કારણ કે ધર્મ ગુલામી છે.” ધર્મનો ઉપયોગ ગુલામોના બ્રેઈનવોશ અને વધુ નિયંત્રણ માટે કરવામાં આવતો હતો. આફ્રિકન અમેરિકન ગુલામોને નિયંત્રિત કરવા માટે ગોરાઓએ ચર્ચનો ઉપયોગ કર્યો. જ્યારે અમેરિકામાં ગુલામીપ્રથા સામે આંદોલન શરુ થયું ત્યારે ગુલામોના માલિકોએ પોતાની માલિકીને ન્યાયી ઠેરવવા બાઈબલનો સહારો લીધો હતો ! ગુલામી નાબૂદી ઈચ્છતા લોકોની દલીલ હતી કે “ગુલામ માલિકો ચોર છે. કારણ કે તેઓ ગુલામોને સંમતિ વિના તેમના જીવનને ઝકડી રાખે છે. ગુલામીની પ્રથા વ્યભિચારને પ્રોત્સાહન આપી રહી છે. માલિકો ગુલામ મહિલાઓનો સેક્સ ટૂલ તરીકે ઉપયોગ કરે છે. ગુલામ મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવે છે. ગુલામી હત્યાને પ્રોત્સાહન આપે છે. ગુલામોને મિલકત તરીકે ગણવામાં આવે છે તેથી તેમની હત્યાને હત્યા તરીકે જોવામાં આવતી નથી ! આના પરિણામે ગુલામોને અકલ્પનીય નુકસાન થયું છે.” ભારતમાં અંગ્રેજોએ સતીપ્રથા બંધ કરી ત્યારે દલીલ કરવામાં આવી હતી કે ‘સતીપ્રથા શાસ્ત્ર અનુસાર પવિત્ર છે ! દેવદાસી પ્રથા શાસ્ત્ર મુજબ છે !’ શાસ્ત્રોએ શૂદ્રો પર બાકીના ત્રણ વર્ણોની સેવા કરવાનો બોજ મૂકીને કાયમી ગુલામી ઊભી કરી છે.
વળી એક પણ ધર્મસ્થાપક પાસે વૈજ્ઞાનિક સાધનો ન હતા, મોબાઈલ ફોન/ ઈન્ટરનેટ/ વીડિયો/ ફિલ્મ/ સેટેલાઈટ/ પ્લેન/ રેલ્વે/ કારની વ્યવસ્થા ન હતી; એટલે જૂના ધર્મગ્રંથો આધુનિક જગત સાથે તાલ મિલાવી શકે તેમ નથી. છતાં ધર્મગ્રંથોને આપણે વળગી રહીએ છીએ. એટલું જ નહીં, ધર્મગ્રંથોની કથાઓ વારંવાર સાંભળીએ છીએ. ધર્મગ્રંથો/ધર્મગુરુઓની બિનજરૂરી વાતો પૂજ્યભાવથી ગ્રહણ કરીએ છીએ !
થોડાં મુદ્દાઓ જોઈએ : [1] ધર્મગ્રંથો લખાયા પછીનું જ્ઞાન શું નકામું છે? [2] સદીઓ પહેલાં તે સમયની રાજકીય/ સામાજિક/ ધાર્મિક સ્થિતિ મુજબ લખાયેલ શાસ્ત્રોની આચારસંહિતા વર્તમાન સમયમાં સુસંગત છે? [3] જે શાસ્ત્રો રાજાશાહીનો મહિમા કરે અને લોકશાહીની વાત ન કરે તે હાલ સુસંગત કહેવાય? [4] શાસ્ત્રો દ્રવ્યદાનની વાત કરે છે પરંતુ રક્તદાન/ચક્ષુદાન/અવયવ દાનની વાત કરતા નથી, શું આ શસ્ત્રો અધૂરાં ન કહેવાય? [5] જે શાસ્ત્રો સૂક્ષ્મ સ્તરે અહિંસાની/ ક્ષમાની વાત કરે પરંતુ અન્યાય અને અત્યાચારનો સામનો કરવાની વાતને મહત્વ ન આપે, તે શાસ્ત્ર પલાયનવાદી ન કહેવાય? [6] જે શાસ્ત્ર દેવદ્રવ્યનો ઉપયોગ માનવ હિતાર્થે કરવાની મનાઈ ફરમાવે તે શાસ્ત્ર આજના સમયે અવ્યવહારુ ન કહેવાય? [7] જે શાસ્ત્ર ચોક્સ વર્ણનો મહિમામંડન કરે અને ચોક્કસ વર્ણને બાકીના વર્ણની સેવા કરવાનું ફરમાવે, તે શાસ્ત્ર આજના સમયે સુસંગત કહેવાય? [8] જે શાસ્ત્રો મહિલાઓને પુરુષોથી ઊતરતી ગણે તે શાસ્ત્ર આજના સમયે સુસંગત કહેવાય? [9] જે શાસ્ત્રો પૃથ્વીને સપાટ માને અને પૃથ્વીકેન્દ્રી વિશ્વની વાતો કરે તે શાસ્ત્ર આજે ખોટું ન કહેવાય?rs [સૌજન્ય : મુરજી ગડા]

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!