RAMESH SAVANI

રાષ્ટ્રવાદ એ રાજકીય ઉપક્રમ છે, સાંસ્કૃતિક નથી !

દેશ વિષે કોઈ પાયાની જાણકારી ન હોય, કોઈ સમજ ન હોય, જાણવાની કે દેશને સમજવાની તસ્દી પણ લીધી ન હોય એવા લોકો પણ ‘દેશપ્રેમી’ બની શકે છે ! આવું બની રહ્યું છે એટલે સવાલ થાય કે આમ કેમ બનતું હશે? આ તો એવી વાત થઈ કે બોક્સમાં શું છે એ જાણ્યા વિના અને જાણવાની તસ્દી લીધા વિના બોક્સને પ્રેમ કરે ! અને પ્રેમ પણ પાછો કેવો? ઝનૂની ! બોક્સ સામે બૂરી નજર પણ કરી છે તો આવી બન્યું !
1947માં સર સિરિલ જ્હોન રેડક્લિફે ભારતમાં પૂર્વે અને પશ્ચિમે લાઈન ખેંચી અને દેશપ્રેમ પુન:રેખાંકિત થઈ ગયો. 1935માં બલુચિસ્તાનના ક્વેટા શહેરમાં ભૂકંપ થયો ત્યારે હિંદુઓ સહિત આખા દેશના લોકોએ દુ:ખ અનુભવ્યું હતું, મદદ પહોંચાડી હતી, પણ એ જ ક્વેટામાં આજે જો કોઈ દુર્ઘટના બને તો આપણને કોઈ અસર થતી નથી. કોઈ દુઃખ થતું નથી. એમ લાગે છે કે સર રેડક્લિફે માત્ર જમીન પર રેખા નહોતી ખેંચી, માનવીના હૃદય પર પણ રેખા ખેંચી હતી. માણસ નકશાને પ્રેમ કરે છે કે દેશને? નકશાની રેખાઓ લાગણીઓને પ્રભાવિત કરે? વિચિત્ર લાગે છે, પણ આવું બની રહ્યું છે.
રાષ્ટ્રવાદનાં મુખ્ય બે અંગો છે. એક આંતરિક અને એક બાહ્ય. જે તે રાષ્ટ્રની બહુમતી પ્રજાનાં ભાષા, ધર્મ અને સંસ્કૃતિ એ તેનાં આંતરિક અંગો છે અને નકશો, ધ્વજ, તેમ જ રાષ્ટ્રગીત એ તેનાં બાહ્ય અંગો છે. આમાં બાહ્ય કલેવર સાથે પ્રેમ કરવો સહેલો છે. એટલે કેટલાક લોકો ધ્વજ જોઇને અને રાષ્ટ્રગીત સાંભળીને ગળગળા થઈ જતા હોય છે. આવા લોકોની લાગણીઓને અને તેમનાં વર્તનને નકશાઓ પ્રભાવિત કરે છે. 1962/1965/1971ના યુદ્ધ વેળાએ મારી કિશોરાવસ્થા હતી. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ જોઇને ગદગદિત થતો હતો અને નકશાના દેશને પ્રેમ કરતો હતો, પણ પછી સમજાયું કે હું તો બોક્સના પ્રેમમાં છું, બોક્સની અંદર શું છે એ તો હું જાણતો જ નથી. મેં બોક્સ ઊઘાડવા ‘ભૂમિપુત્ર’, ‘કોડિયું’, ‘વિશ્વમાનવ’, ‘સંસ્કૃતિ’ વગેરે સામયિકો વાંચવાનું શરુ કર્યું અને બોક્સની અંદરથી જે બહાર આવ્યું એણે મારી આંખ ઊઘાડી. મારો અનુભવ એમ કહે છે કે જો તમે બોક્સ ખોલશો તો તમારી આંખ પણ ખૂલશે. વરખ ચડાવેલો દેશપ્રેમ જતો રહેશે અને આ ભૂમિનો તેની પ્રજા અને સંસ્કૃતિ સાથે પરિચય થશે.
બોક્સમાંથી જે ભારત વિશેના જે સત્યો બહાર આવ્યાં એમાં એક સત્ય એ હતું કે અત્યારે ભારતના નકશામાં જેવડું ભારત બતાવવામાં આવે છે કે પછી અખંડ ભારતના નકશામાં જે ભારત બતાવવામાં આવે છે કે હજુ આગળ વધીને હિન્દુત્વ-વાદીઓના નકશામાં જેવડું ભારત બતાવવામાં આવે છે એવડું ભારત ભારતના રાજકીય ઇતિહાસમાં ક્યારેય હતું જ નહીં. એનાથી અડધું પણ અસ્તિત્વ નહોતું ધરાવતું. આઝાદી પહેલાનાં અવિભાજિત ભારતની વહીવટી રચના અંગ્રેજોએ કરી હતી અને તેમાં પણ રિયાસતોના પ્રદેશનો તો સમાવેશ નહોતો થતો. તો પછી હિન્દુત્વ-વાદીઓએ તેમની કલ્પનાના ભારતની રચના આટલી પહોળી શેના આધારે કરી? અંગ્રેજોએ રચેલું અવિભાજિત ભારત તો ખરું જ, પણ તે ઉપરાંત અફઘાનિસ્તાન, નેપાળ, બર્મા અને શ્રીલંકાનો તેમની કલ્પનાના ભારતમાં સમાવેશ થાય છે. જવાબ છે, સાંસ્કૃતિક પ્રભાવ. આટલા પ્રદેશ પર હિંદુઓનો સાંસ્કૃતિક પ્રભાવ છે.
વળી વિદ્વાનોની આંગળી પકડીને શોધખોળ કરી કે આ સંસ્કૃતિ શું છે? જવાબ મળ્યો કે સંસ્કૃતિ એક સતત બદલાતી રહેતી જીવંત ચીજ છે. જેમ શરીરમાં કોશો ક્ષણે ક્ષણે બદલાતા રહે છે એમ સંસ્કૃતિ પણ જીવંત શરીર જેવી છે. એની કોઈ સીમા નથી અને એ હવામાં ઊડીને એકથી બીજી જગ્યાએ જતી નથી. માનવી દ્વારા તે એકથી બીજી જગ્યાએ પહોંચે છે. અને જો માનવી દ્વારા સંસ્કૃતિ એકથી બીજી જગ્યાએ પહોંચતી હોય તો દેખીતી વાત છે કે માનવી દ્વારા બીજી સંસ્કૃતિઓ આવતી પણ હશે. ભારતમાં આવી પણ હશે. અભ્યાસ કરતાં ખબર પડી કે જેમ ભારતની સંસ્કૃતિ અફગાનિસ્તાન અને ઇન્ડોનેશિયા સુધી પહોંચી છે તો બીજા દેશોની સંસ્કૃતિ ત્યાંના માનવીઓના ભારત આગમન દ્વારા ભારતમાં આવી છે. અને સંસ્કૃતિનો બીજો એક સ્વભાવ ધ્યાનમાં આવ્યો કે તેને અપનાવતા કે છોડવામાં કોઈ હીચક થતી નથી. તે સહેલાઇથી સામાજિક પરિવેશ મુજબ બદલાતી રહે છે. આનો અર્થ એ થયો કે હિંદુ સંસ્કૃતિ જેવી કોઈ ચીજ જ અસ્તિત્વ નથી ધરાવતી, જે સંસ્કૃતિમાં આપણે જીવીએ છીએ એ ભારતીય છે અને તે મિલીજુલી છે. જો સંસ્કૃતિની ચોક્કસ રીતે વ્યાખ્યા કરીને તેને ચોખઠામાં પૂરવામાં આવે તો તે વિકસે તો નહીં, પણ કરમાઈ જાય.
એક વાર મેં વિશ્વ હિંદુ પરિષદના ગુજરાત એકમના અધ્યક્ષ કે. કા. શાસ્ત્રીને પૂછ્યું હતું કે તમે તો વૈષ્ણવ છો, છપ્પનભોગમાં જે 56 મીઠાઈઓ ધરવામાં આવે છે એમાંથી વિદેશથી આવેલી મીઠાઈઓ કેટલી? તેમણે કહ્યું હતું કે અડધા કરતાં વધુ ! મ્લેચ્છોએ બનાવેલી મીઠાઈ હવેલી સુધી પહોંચી જાય એનું નામ સંસ્કૃતિ ! સંસ્કૃતિને પગ અને પાંખ બન્ને હોય છે અને તેનું કાયમી ઘર પણ હોય છે. કહેવાતી હિંદુ સંસ્કૃતિનું ભારત એ કાયમી નિવાસસ્થાન છે, પણ એ શુદ્ધ રૂપમાં હિંદુ નથી. એણે ખૂબ વિચરણ કર્યું છે, ખૂબ આપ્યું છે અને લીધું છે ! ટૂંકમાં, લેવડદેવડ સંસ્કૃતિઓને સમૃદ્ધ બનાવે છે.
બોક્સ ઊઘાડયું તો એ પણ જાણવા મળ્યું કે ભારતમાં જેટલી વિવિધતા છે એટલી જગતના બીજા કોઈ દેશમાં નથી. આનું કારણ ભારતની ભૂમિ છે. એ સમશીતોષ્ણ છે એટલે અહીં જીવન આકરું નથી, પરિણામે વિવિધ પ્રજાઓને આકર્ષે છે. હાડમારી કોઈને ગમે? જ્યાં જીવન આસાન હોય ત્યાં માણસ જવાનો છે. આમ હજારો વરસ દરમ્યાન અનેક પ્રજાઓ ભારતમાં આવી છે અને તેણે ભારતીય સંસ્કૃતિની રંગોળી બનાવી છે. એમાં ગણ્યા ગણાય નહીં એટલા રંગો છે. જો સાઈબીરિયન પક્ષી ભારતમાં આવતાં હોય તો પ્રજા ન આવે એવું બને?
અને બોક્સ ઊઘાડયું તો એ પણ જાણવા મળ્યું કે સતત ગ્રહણ કરવાની, સતત બદલાતા રહેવાની ભારતની પ્રજાની ક્ષમતાને કારણે ભારતની સંસ્કૃતિ ટકી રહી છે. ભારતની પ્રજાનું લેવડદેવડનું સાંસ્કૃતિક લચીલાપણું ભારતની સંસ્કૃતિને જીવાડી રાખે છે. ઇકબાલે કહ્યું છે : કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી ! એ કુછ બાત છે લચીલાપણું. જે બરડ હોય એ તૂટે !
જ્યારે મેં બોક્સ ઊઘાડયું અને સાચાં ભારતનાં દર્શન કર્યા એ પછી નકશો, ધ્વજ અને રાષ્ટ્રગીત દ્વારા હું ગદગદ થતો નથી. આ ત્રણેયનો દેશની પ્રજાને બરડ બનાવવા માટે, આગ્રહી બનાવવા માટે, આક્રમક બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. માટે રાષ્ટ્રવાદ એ રાજકીય ઉપક્રમ છે, સાંસ્કૃતિક નથી. ઉસ્તાદ અમીર ખાંનો રાગ મારવા સાંભળીને આંખમાં ઝળઝળિયાં આવી જાય એ સંસ્કૃતિ અને મુસ્લિમ નામ સાંભળીને અણગમો પેદા થાય એ રાષ્ટ્રવાદ !rs [સૌજન્ય : વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા, 16 એપ્રિલ 2024]

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!