RAMESH SAVANI

કાયદાનું શાસન એટલે શું?

[પાર્ટ-5]
લોકશાહીનો એક અત્યંત અગત્યનો સિદ્ધાંત કાયદાનું શાસન છે. તેના વિના લોકશાહી શક્ય જ નથી. કાયદા દ્વારા શાસન-Rule by Law અને કાયદાનું શાસન-Rule of Law એ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. ‘કાયદા દ્વારા શાસન’નો અર્થ એ છે કે કાયદો એ સરકારનું સાધન છે અને તે કાયદાનો ઉપયોગ નાગરિકો પર કરે છે અને સરકાર પોતે કાયદાથી પર છે. આવી વ્યવસ્થા રાજાશાહીમાં હતી. રાજા કાયદા ઘડતા પરંતુ રાજાને પોતાને કોઈ કાયદા લાગુ પડતા ન હતા ! ‘કાયદાના શાસન’નો અર્થ એ છે કે કોઈપણ વ્યક્તિ, પછી તે ગમે તે હોદ્દા ઉપર હોય, ધનવાન હોય કે ગરીબ હોય, કાયદાથી પર નથી સરકાર સરકાર પોતે પણ કાયદાથી પર નથી. એટલે કે કાયદાના શાસનમાં સરકાર ઉપર પણ કાયદો પ્રવર્તે છે, તેને કાયદા હેઠળ અને કાયદા મુજબ જ શાસન કરવાનું હોય છે. કાયદાના શાસનનો સીધો અર્થ એ છે કે તે સરકારની તાર્કિકતામાં વધારો કરે છે એટલે કે સરકાર ગમે તેમ, મન ફાવે તેમ શાસન કરતી નથી પણ બુદ્ધિપૂર્વક શાસન કરે છે. કાયદાનું શાસન માત્ર સરકારના સ્વચ્છંદીપણાને જ મર્યાદિત કરે છે એવું નથી; પણ તે સરકારને નિર્ણયો લેવામાં વધારે બુદ્ધિશાળી, તાર્કિક અને સભાન બનાવે છે. એટલે કે સરકારને/શાસકોને લાંબા ગાળાના હિત અને તર્ક અનુસાર વર્તવાની ફરજ પાડે છે. આ રીતે જોતા, કાયદાના શાસનનો અર્થ એવો થાય કે કોઈ વ્યક્તિ કાયદાથી પર નથી અને બધા જ શાસકો કાયદા પ્રત્યે ઉત્તરદાયી છે; પછી એ સરપંચ હોય કે મુખ્યપ્રધાન હોય કે વડાપ્રધાન હોય ! ટૂંકમાં, રાજાના કે શાસકના આતંકમાંથી છૂટવા માટે ‘કાયદાના શાસન’નો ખ્યાલ આવ્યો છે.
કાયદાના શાસનની ખસિયતો જોઈએ : [1] તેમાં કાયદાની સર્વોચ્ચતા થતા છે. એટલે કે બધી જ વ્યક્તિઓ અને સરકારમાં બેઠેલાઓ કાયદાને આધીન છે. તેમણે કાયદા મુજબ વર્તન કરવાનું છે, મનસ્વી રીતે કોઈએ વર્તવાનું નથી. [2] કાયદાનું શાસન એટલે ન્યાય. તેમાં ન્યાય તોળવા માટેની નિશ્ચિત કાર્યવાહીનું મહત્વ છે. કાયદાના પાલન માટે મોટેભાગે નિયમો ઘડવામાં આવે છે. આ નિયમોમાં કાયદાના પાલન માટેની કાર્યવાહી લખેલી હોય છે. કાયદો અને તેના પાલન માટેની આ કાર્યવાહી અગાઉથી જાહેર થયેલાં છે, એટલે કે લોકોને તેની ખબર છે. કોઈ કાયદો કે નિયમો છૂપા હોઈ શકે નહીં. સરકારે તે જાહેર કરવાનાં જ હોય. [3] કાયદાની સરકાર છે, માણસોની સરકાર નથી. તેનો મુખ્ય મુદ્દો એ છે કે મનુષ્યના વિવેક કે નિર્ણયો ઉપર કાયદાનો અંકુશ છે. વડાપ્રધાન/ રાષ્ટ્રપતિ/ પ્રધાન/ મુખ્યપ્રધાન કે સરપંચ પણ શાસક તરીકે બેફામપણે વર્તી શકે નહીં. સરકાર તો આવે છે અને જાય છે, કાયદો તો છે જ. એટલે કોઈ પણ સરકારે કાયદા મુજબ અને નિયમો મુજબ જ કામ કરવાનું છે. [4] નીચલી અદાલતો, ઉપરી અદાલતોએ આપેલ ચુકાદાઓને આધારે નિર્ણયો લેવા માટે બંધાયેલી છે. એટલે કે સેશન્સ કે જિલ્લા અદાલત, હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચૂકાદાને આધારે જ પોતાના ચુકાદા આપે. એ જ રીતે હાઇકોર્ટ પણ સુપ્રીમકોર્ટના ચૂકાદાને આધારે પોતાના ચૂકાદા આપે. [5] કાયદો પાછલી અસરથી એટલે કે ભૂતકાળની કોઈ તારીખથી લાગુ થઈ શકે નહીં, કાયદો તે ઘડાયા પછીના સમયગાળામાં જ લાગુ પડે. [6] ન્યાયતંત્ર સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે. તે પ્રધાનમંડળ/ વડાપ્રધાન/ રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન/ પ્રધાનના દબાણ હેઠળ કામ કરતું ન હોય. જો સ્વતંત્ર નિષ્પક્ષ અને સક્ષમ ન્યાયતંત્ર ન હોય તો માનવ અધિકારો, પ્રવર્તમાન સમયાઓના ઉકેલો અને તે અંગેની નિશ્ચિત કાર્યવાહીઓની વ્યવસ્થાનો કશો અર્થ રહેતો નથી. ન્યાયતંત્રનું મૂળભૂત કામ નાગરિકોના મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ કરવાનું છે. ન્યાયતંત્ર શાસકોની સ્વતંત્ર હોય તો જ તે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરી શકે છે. [7] કાયદો સામાન્ય સિદ્ધાંતોને લગતો હોય, નીતિઓની વિગતોને લગતો નહીં. વિધાનસભાઓ અને સંસદ કાનૂન કાનૂની સત્તાનો ઉપયોગ કરે છે અને કારોબારી એટલે કે પ્રધાનમંડળ દ્વારા થતા કાનૂની સત્તાના ઉપયોગ પર બંધારણમાં લખવામાં આવ્યું હોય તે મુજબ નિયંત્રણ રાખે છે. [8] કોઈપણ કાયદાનો આધાર નૈતિકતા છે. રાજાની કે શાસ્ત્રોની ઈચ્છા નહીં. વ્યક્તિના સ્વાયત્તતા અને સ્વતંત્રતા, સમાજમાં સમાનતા અને ન્યાય એ વર્તમાન રાજકીય અને નૈતિક વ્યવસ્થાના મૂલ્યો છે. કાયદો અને તેનો ઉપયોગ એ નૈતિકતા ઉપર આધારિત હોવા જોઈએ. એટલે કે કાયદા એવા હોય અને તે હેઠળ કરાયેલા નિયમો એવા હોય કે જેથી વ્યક્તિની સ્વતંત્રતા બરકરાર રહે અને તેને તેનો પોતાનો વિકાસ કરવાની પૂરતી તક મળે. કાયદો લોકોની ઈચ્છાને વ્યક્ત કરનારો હોય. તે રાજા/ નેતા/ સરમુખત્યાર/ લશ્કરી અધિકારીઓ/ ધાર્મિક નેતાઓના તરંગો પર આધારિત ન હોય. [9] કાયદા હેઠળ સૌને સમાન રક્ષણ મળે. કોઈપણ વ્યક્તિને, જૂથને કે સમુદાયને કાયદો તદ્દન અલગ રીતે લાગુ ન પડે. કાયદાની અંદર અસમાનતા ન હોવી જોઈએ. [10] નાગરિકોની આડેધડ ધરપકડ ન થાય. શાસકનો વિરોધ કરે છે માટે જ તેને દેશદ્રોહી/રાજદ્રોહી/અર્બન નકસલી ઠરાવવામાં ન આવે. નાગરિકોના ઘરોમાં ગેરવાજબી દરોડા પાડવામાં ન આવે કે તેમની સંપત્તિની જપ્તી કરવામાં ન આવે. એ માટે કાયદાથી રક્ષણ આપવામાં આવેલું હોય અને એ કાયદાનું પાલન સરકાર દ્વારા થતું હોય. [11] કોઈપણ ગુનેગારને તેનો અદાલતમાં બચાવ કરવાની તક મળે. જો તેનું નકલી એન્કાઉન્ટર કરવામાં આવે તો લોકશાહીનું અસલી એન્કાઉન્ટર થયું કહેવાય ! એ કાયદાનું શાસન ન કહેવાય અને એ ન્યાય પણ ન કહેવાય. ઝડપી ન્યાયનો અર્થ એવો થતો નથી કે પોલીસ જ ન્યાય કરે. [12] કોઈપણ સ્તરની ચૂંટણી મુક્ત/ ન્યાયી અને સ્વતંત્ર રીતે થવી જોઈએ. તેમાં લાલચ ધાકધમકી અને ડર વિના નાગરિકો મતદાન કરી શકે તો તેઓ જેની ઈચ્છે છે તે તેના પ્રતિનિધિ તરીકે ચૂટાય. ચૂંટણી માટેની વ્યવસ્થા ચૂંટણી પંચ કરે છે. માટે એ વ્યવસ્થા કરનારા કમિશનરો નિષ્પક્ષ હોય તે જરૂરી છે. ચૂંટણીની આચારસંહિતાનું નિષ્પક્ષ રીતે પાલન થાય તે જરૂરી છે. જેથી ચૂંટણીની પ્રક્રિયા પર લોકોનો વિશ્વાસ ટકી રહે.
લોકશાહી મનુષ્યની સ્વતંત્રતા વિના ટકી શકે જ નહીં. સ્વતંત્રતા ત્યારે ભોગવી શકાય છે કે જ્યારે એ ભોગવ્યા પછી કોઈ વિપરીત પરિણામો ભોગવવા પડશે એવો ડર ન હોય !મનુષ્યના જીવનના બાકીના તમામ મૂલ્યો સ્વતંત્રતામાંથી જ તરી આવે છે. અહીં દેશની સ્વતંત્રતા નહીં પણ મનુષ્યની સ્વતંત્રતાનું ધ્યેય રાખવામાં આવ્યું છે. સ્વતંત્ર દેશમાં મનુષ્યો સ્વતંત્ર હોવા જોઈએ. દેશ સ્વતંત્ર અને આઝાદ હોય અને મનુષ્ય ગુલામ હોય એમ પણ બની શકે છે. સરમુખ્યત્યારશાહી કે લશ્કરી શાસન ધરાવતા દેશમાં દેશ તો આઝાદ હોય છે પરંતુ લોકો ગુલામ હોય છે, તેમને કોઈ સ્વતંત્રતા હોતી નથી.
લોકશાહીમાં વ્યક્તિ અને તેનું ગૌરવ અત્યંત મહત્વના છે. આ પૃથ્વી પર મનુષ્ય એક વ્યક્તિ તરીકે સૌથી મહત્વનું અસ્તિત્વ ધરાવતું પ્રાણી છે. એટલે ભારતના બંધારણના આમુખમાં વ્યક્તિનું ગૌરવ સુનિશ્ચિત થાય તે રીતે ‘બંધુતા’ને પ્રોત્સાહન આપવાનું કહેવામાં આવ્યું છે. આમ વ્યક્તિ એક એકમ તરીકે મહત્વની છે અને રાજ્ય સહિતની સંસ્થાઓએ તેનું ગૌરવ જાળવવાનું છે, એમ આમુખ ગર્ભિત રીતે કહે છે. એટલે બંધારણમાં વ્યક્તિને એક એકમ તરીકે સ્વીકારવામાં આવી છે અને કુટુંબ/ સમાજ/ બજાર/ ધર્મ અને રાજ્ય જેવી સંસ્થાઓને એકમ તરીકે સ્વીકારવામાં આવી નથી. આમ જુઓ તો આ બાબત સ્વીકારવી એ ભારતીય લોકો અને ભારતીય સમાજ માટે એક મોટો પડકાર છે; કારણ કે જ્ઞાતિ આધારિત સમાજ અને ધર્મને ભારતીય લોકો સૌથી વધુ મહત્વ આપતા રહ્યા છે. માનવ અધિકારો અથવા બંધારણમાં નાગરિકોના મૂળભૂત અધિકારો લખવામાં આવ્યા છે તેનો અર્થ આ જ છે. માનવ અધિકારો અથવા આ મૂળભૂત અધિકારો વ્યક્તિનું ગૌરવ જળવાય તે માટે અગત્યના છે, તેમના સિવાય વ્યક્તિનું ગૌરવ જળવાઈ શકે જ નહીં. વ્યક્તિ ગૌરવ માટે મહત્વના મુદ્દાઓ : [1] વ્યક્તિના જીવનમાં કોઈપણ જાતની બાહ્ય દખલગીરીનો વિરોધ છે. તેથી પરિવાર/ સમુદાય/ સમાજ/ જૂથ/ રાજ્ય કે રાષ્ટ્ર દ્વારા વ્યક્તિના જીવનની પ્રાથમિકતાઓ નક્કી થાય નહીં. વ્યક્તિની પોતાની પસંદગી જ સૌથી મહત્વની બાબત છે. [2] વ્યક્તિની પસંદગીઓ માટે કોઈ ધોરણોની મર્યાદા ઊભી ન થાય. ધોરણો હોય તોપણ એ એવાં હોવા જોઈએ કે જેથી વ્યક્તિની પસંદગીઓને લીધે બીજી વ્યક્તિને નુકસાન ન પહોંચે. નૈતિક ધોરણોની મર્યાદામાં રહીને દરેક વ્યક્તિને જે ઈચ્છે તે કરવાની અમાપ અને અમર્યાદ તકો હોવી જોઈએ. સમાજમાં, બજારમાં અને રાજકારણમાં સ્વતંત્ર રીતે પસંદગીઓ કરવાના કૃત્યથી જ વ્યક્તિનો વિકાસ થાય છે અને તેનું ગૌરવ જળવાય છે. [3] વ્યક્તિની સ્વતંત્રતા સૌથી મોટું મૂલ્ય છે. બધા જ મૂલ્યો મનુષ્ય-કેન્દ્રી છે. કેટલાક લોકો બીજા કરતાં ધનવાન, તંદુરસ્ત અને સુખી હોય એમ બને; પણ તેમ છતાં એવો સમાજ વધુ ન્યાયી કહેવાય કે જ્યાં દરેક વ્યક્તિને બીજા કોઈને હાનિ પહોંચાડ્યા વિના તે ઇચ્છે તે કરવાની સ્વતંત્રતા હોય. [4] મનુષ્ય પોતે જ સાધ્ય છે અને તે સર્વોચ્ચ મૂલ્ય ધરાવે છે. સમાજ અને તેના સહિતની તેની સંસ્થાઓ તો વ્યક્તિના ધ્યેયો સિદ્ધ કરવા માટેના સાધનો છે. [5] વ્યક્તિઓની સ્વૈચ્છિક સમજૂતી દ્વારા જ લોકો વચ્ચે સહકાર ઉભો થાય છે; બધી જ વ્યક્તિઓ વચ્ચે વિનિમય થાય છે; તેઓ પોતાની ઈચ્છાથી વિનિમય કરે છે અને વિનિમયથી જ બધા જીવે છે. સરકારોનું કામ એટલું જ છે કે આ વિનિમયમાં કોઈ દબાણ ન થાય તે જોવું. બધા પક્ષે સ્વૈચ્છિક મુક્ત પસંદગી હોય છે. [6] તમામ મનુષ્ય નૈતિક રીતે સમાન છે. એટલે કે એક વ્યક્તિની સુખાકારી માટે બીજી વ્યક્તિનો સાધન તરીકે ઉપયોગ ન થવો જોઈએ. [7] ખાનગી મિલકતનો અધિકાર વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. એટલે કે તેને ખાનગી મિલકત ધરાવવાનો/ વાપરવાનો/ ભાડે આપવાનો/ વેચવાનો/ નિકાલ કરવાનો/ દાનમાં આપવાનો અને વારસામાં આપવાનો અધિકાર છે. આ અધિકારનું રક્ષણ કરવું તે રાજ્યની જવાબદારી છે. [8] બીજી વ્યક્તિઓના જીવનમાં મનુષ્યો દખલ ન કરે તે જોવાની જવાબદારી રાજ્યની છે. [9] સ્વૈચ્છિક રીતે વ્યક્તિઓએ જે કરારો કરેલા હોય તેનું પાલન થાય તે જોવાની જવાબદારી રાજ્યની છે. [10] કુટુંબ/ સમાજ/ ધર્મ/ બજાર અને રાજ્ય એ પાંચ સંસ્થાઓ મનુષ્ય પોતાના સુખ માટે ઊભી કરી છે. તે આ સંસ્થાઓનો ગુલામ બની શકે નહીં. આ સંસ્થાઓ તો એક અનિવાર્ય વ્યવસ્થા છે. ખરેખર તો, આ સંસ્થાઓની ગુલામીમાંથી મુક્તિ એ મનુષ્યના જીવનનું અંતિમ ધ્યેય છે; એટલે કે વ્યક્તિને એ સંસ્થાઓ થકી સુખ મળવું જોઈએ, તે બંધનકર્તા બનવી જોઈએ નહીં. વ્યક્તિને જો આ સંસ્થાઓ ગુલામગીરી કરતી લાગે તો તે તેમાંથી બહાર આવે તો જ તેનું ગૌરવ વધે. [11] મનુષ્યને તેના જીવનમાં સ્વતંત્રતા અને પ્રેમ જોઈએ છે. એ બે જ તેની પ્રાથમિકતા છે. સ્વતંત્રતા પ્રત્યેનો પ્રેમ અને પ્રેમ કરવાની સ્વતંત્રતા, એ વ્યક્તિના જીવનની મૂળભૂત ઈચ્છા છે, એ મેળવવા આડે કોઈ જ અવરોધો ન હોવા જોઈએ.
સવાલ એ છે કે આપણે જ્યારે એમ કહીએ છીએ કે રામરાજ્ય જોઈએ છે ત્યારે આપણે જાણ્યે-અજાણ્યે રાજાશાહીની તરફેણ તો નથી કરી રહ્યા ને? લોકશાહીને સમજીએ તો જ આપણે રામરાજ્યના ખ્યાલને પચાવ્યો ગણાય એમ લાગે છે. નાગરિકો સત્યપ્રિય બને અને રાજ્ય, અર્થતંત્ર તેમ જ સમાજ અહિંસક બને; તેમ જ પારદર્શિતા/ ઉત્તરદાયિત્વ/ સહભાગિતા/ વિકેન્દ્રીકરણ/ કાયદાનું શાસન અને મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ જેમાં હોય તેવી લોકશાહીમાં જ ગાંધીજી કહે છે તેવું રામરાજ્ય વાસ્તવમાં આવી શકે !rs [સૌજન્ય હેમંતકુમાર શાહ]

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!