RAMESH SAVANI

હિન્દુત્વનો આટલો જુવાળ હોવા છતાં નેતાઓની આયાત કેમ કરવી પડે છે?

કહેવામાં તો એવું આવ્યું હતું કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી ! ગુજરાત મોડેલ ભ્રષ્ટાચારમુક્ત સુશાસનનું મોડેલ છે ! જો મને વડા પ્રધાન બનાવશો તો ગુજરાતની રાહે દેશનું શાસન કરવામાં આવશે ! કહેવામાં તો એવું આવ્યું હતું કે દેશનું જાહેરજીવન ભ્રષ્ટાચારથી ખદબદે છે. શાસકોનાં, અન્ય તમામ પક્ષોના નેતાઓનાં, સરકારી અધિકારીઓનાં અને તેમના મળતિયા કુબેરપતિઓનાં અબજો કરોડ રૂપિયા વિદેશની બેન્કોમાં પડ્યા છે. જો મને વડા પ્રધાન બનાવશો તો એ છૂપાવેલું નાણું ભારત પાછું લાવવામાં આવશે અને ભારતના પ્રત્યેક નાગરિકના ખાતામાં પંદર પંદર લાખ જમા કરવામાં આવશે ! કહેવામાં તો એવું આવ્યું હતું કે કોઈ ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે ! તેમની જગ્યા દેશના જાહેરજીવનમાં નહીં હોય, પણ જેલમાં હશે ! કહેવામાં તો એવું આવ્યું હતું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારની ગંગોત્રી છે અને કોઈ કોંગ્રેસી સ્વચ્છ નથી ! જ્યારે મોઢું ખૂલે છે ત્યારે ઓછામાં ઓછો એક વાયદો વિયાંય છે !
અને પછી, સત્તામાં આવ્યા પછી તરત કહેવામાં આવ્યું હતું કે દેશને કોંગ્રેસમુક્ત કરવામાં આવશે ! આ વાયદો તેમને યાદ છે. અન્ય પ્રતિજ્ઞાઓ પ્રજાને મુર્ખ બનાવવા માટેની હતી, પણ આ કોંગ્રેસમુક્ત કરવાની પ્રતિજ્ઞા તેમના સ્વાર્થ માટેની હતી. પ્રતિજ્ઞાઓ પૂરી નહીં કરવા માટે લોકો લાત મારે એ પહેલાં તેની પાસે કોઈ વિકલ્પ જ ન બચવો જોઈએ. આપણને લાત મારીને કોને લાવશે? કોઈ મેદાનમાં હોય તો લાવશે ને?
દેશને કોંગ્રેસમુક્ત કરવાની પ્રતિજ્ઞા પાળવા માટે આકાશપાતાળ એક કરવામાં આવી રહ્યા છે. પણ તેમના ખાટલે મોટી એક ખોડ છે. તેમના દુર્ભાગ્યે દેશના અંદાજે 60 ટકા હિંદુઓને હિંદુરાષ્ટ્ર સ્વીકાર્ય નથી. તેમને ખબર છે કે મુસલમાનો તેમ જ અન્ય વિધર્મીઓ પછી સ્વતંત્રતા સાથે જીવનારા અને સ્વતંત્રતા ઇચ્છનારાઓનો વારો આવવાનો છે, પછી ભલે તેઓ હિંદુ હોય. ઉલટું તેઓ, એટલે કે હિંદુરાષ્ટ્રની વાતમાં નહીં લપેટાતા હિંદુઓ હિંદુ રાષ્ટ્રના મોટા દુશ્મન છે. જો આ વાત ન સમજાતી હોય તો મુસ્લિમ દેશો પર એક નજર કરી લો. નજીકમાં પાકિસ્તાન પર એક નજર કરી લો. ઇસ્લામિક રાષ્ટ્ર ઇચ્છનારાઓની ગોળીનો શિકાર કોણ બને છે? 99 ટકા મુસલમાનો અને એક ટકો વિધર્મીઓ ! પાકિસ્તાનમાં હિંદુઓ કે બીજા ધર્માનુયાયીઓ નહીં, મુસલમાનો મરે છે. કારણ કે તેમને જિંદગી જીવવામાં મોકળાશ જોઈએ છે અને ધર્મને નામે છાતી પર ચડી બેસનારાઓ મોકળાશ આપતા નથી ! મોકળાશ તેમને પરવડે જ નહીં. તેઓ તેમનાં પોતાનાં પક્ષના અને સંગઠનના સહયાત્રીઓને મોકળાશ નથી આપતા એ તમને આપવાના છે? જગત આખામાં ધાર્મિકરાજ્યોનો કે ફાસીવાદી રાજ્યોનો આ ઈતિહાસ છે. મોકળાશ અને ઇસ્લામિક રાષ્ટ્ર કે હિંદુરાષ્ટ્ર એ બે પરસ્પર વિરોધી ચીજ છે, તેનું સહઅસ્તિત્વ અસંભવ છે.
લગભગ 60 ટકા હિંદુઓ આ જાણે છે. અને રહી કરીને તેમની નજર કોંગ્રેસ પર જાય છે. કોંગ્રેસ એક રાષ્ટ્રીય પક્ષ છે અને આખા દેશમાં અસ્તિત્વ ધરાવે છે. એમાં ઓછામાં પૂરું રાહુલ ગાંધીને કોવીડ પછી શુરાતન ચડ્યું છે. જેને પપ્પુ કહીને ઠેકડી ઊડાડવામાં આવતી હતી એ મેદાન છોડીને જતો નથી, ટસનો મસ થતો નથી અને હવે તો જીદે ચડ્યો છે. આ એક માત્ર રાજકીય નેતા છે જે લોકોની વચ્ચે જાય છે અને નિર્ભયતાથી આલોચના કરે છે. કોઈ ન આવે તો એકલો જાને રેની ભીષ્મપ્રતિજ્ઞા તેણે કરી છે. હવે યુવાનોને રાહુલ ગાંધી આકર્ષવા લાગ્યા છે. જેમનું ભવિષ્ય છે એ યુવાનો રાહુલમાં પોતાનું ભવિષ્ય જોવા લાગે તો તો ભારે થાય! હજુ તો જેઓ નવા નવા મત આપતા થયા છે એ યુવાનો રડારમાંથી ચાલ્યા જાય અને એ બીજાની રડારમાં જવા લાગે તો અવતારીનું ભવિષ્ય પૂરું થઈ જાય !
તો કરવું શું? વિધાનસભ્યો ખરીદ્યા, સરકારો તોડી, જેલમાં નાખ્યા, બેંક ખાતા સીલ કર્યા, ED/ CBI/ IT પાસે દરોડા પડાવ્યા ! ઈલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા વિપક્ષના નાણાકીય સ્રોત સૂકવી નાખ્યા જે કાંઈ થઈ શકતું હતું એ બધું જ કર્યું, પણ આ કોંગ્રેસનો છોડ સૂકાતો નથી ! રાહુલ ગાંધી મેદાન છોડતો નથી. હવે એક નવા ઊપાય તરીકે કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસ છોડાવી સત્તાપક્ષમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. ભલે ભ્રષ્ટ હોય, ભલે આપણે તેમની નામ લઈને ટીકા કરી હોય, ભલે આપણે જેલમાં નાખ્યા હોય, ભલે ગામના ઉતાર જેવા હોય, ભલે એણે આપણને ગમે તેવી ગાળો આપી હોય, બસ કોંગ્રેસ છોડાવો અને સત્તાપક્ષમાં લઈ લો ! રાહુલ ગાંધી પાસે કોઈ ગણનાપાત્ર નેતા જ નહીં હોય તો તેઓ કોંગ્રેસને કેવી રીતે બેઠી કરશે? કદાચ સત્તાપક્ષની ‘કચરો ગ્રહણ કરવાની ઝૂંબેશ’ રાહુલ ગાંધીને લાંબે ગાળે ફાયદો કરાવશે. કોંગ્રેસ તેના વિરોધીના સાબુએ પરિષ્કૃત થઈ રહી છે અને બીજું રાહુલ ગાંધીનો મદાર કોંગ્રેસી નાતાઓ નથી, યુવાનો છે, સ્ત્રીઓ છે અને ગાંધી-નેહરુની વિચારધારા છે. આ વિચારધારાની જ્યાં સુધી પ્રાસંગિકતા છે ત્યાં સુધી કોંગ્રેસ કે એવા કોઈ પણ વિચારધારાને વરેલા પક્ષની પ્રાસંગિકતા છે. 60 ટકા હિંદુઓને એવા પક્ષની જરૂર છે અને રાહુલ ગાંધી એ દિશામાં કોંગ્રેસની લઈ જઈ રહ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ જે 25 નેતાઓને કોંગ્રેસ છોડાવી BJPમાં લેવામાં આવ્યા છે એ દરેક ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ હતા. જેલમાં મોકલવામાં આવ્યા હતા, અદાલતમાં આરોપનામાં દાખલ કરવામાં આવ્યાં હતાં, ખટલા ચલાવવામાં આવતા હતા, નામ લઈને વડા પ્રધાને પોતે તેમની નિંદા કરી હતી, ધમકાવ્યા હતા વગેરે વગેરે. આજે એમાંથી માત્ર બેને છોડીને બાકીના 23 નેતાઓ સામેના કેસ કાં તો સંકેલી લેવામાં આવ્યા છે અથવા તેમની સામેની કારવાઈ થંભાવી દેવામાં આવી છે. બાકી બચેલા બેનો પણ પવિત્ર ઘરમાં પ્રવેશ્યા છે એટલે ઉદ્ધાર થઈ જશે !
ટૂંકમાં, હિન્દુત્વનો આટલો જુવાળ હોવા છતાં નેતાઓની આયાત કેમ કરવી પડે છે? દેશના નાગરિકોને આપેલાં વચનોની ઐસીતૈસી, કોંગ્રેસમુક્ત ભારતનું ખુદને આપવામાં આવેલું વચન પાળવા માટે આકાશપાતાળ એક કરવામાં આવી રહ્યાં છે. કારણ કે તેની સાથે તેમનું પોતાનું ભવિષ્ય સંકળાયેલું છે, બાકી લોકો પોતાનાં ભવિષ્યનું ફોડી લેશે. અને હા, જે મુસલમાનોના દુખી ચેહરા જોઇને રાજી થાય છે તે તો ગમે તેવા વચનભંગ પછી પણ મત આપવાના જ છે ! ડર પેલા મોકળાશની ખેવના કરનારાઓનો છે અને એવા હિંદુઓ મોટી સંખ્યામાં છે એટલે જ કોંગ્રેસમાંથી નેતાઓની આયાત થઈ રહી છે !rs [સૌજન્ય : વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા, 12 એપ્રિલ 2024. કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય]

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!