છોટાઉદેપુરમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત “સંસ્કૃત સાહિત્ય દિન”ની ભવ્ય ઉજવણી યોજાઈ

મુકેશ પરમાર,,, નસવાડી
ભારતીય સંસ્કૃતિના જતન, સંવર્ધન અને સંસ્કૃત ભાષાના વ્યાપક પ્રચાર-પ્રસારના ઉમદા હેતુથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર પ્રેરિત તથા છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ અંતર્ગત “સંસ્કૃત સાહિત્ય દિન” ની ઉજવણી છોટાઉદેપુર સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી શીતલબેન બારીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય વક્તા સરકારી વિનયન કોલેજ, કવાંટના ડૉ. અર્ચનાબેન ત્રિવેદી અને સંસ્કૃત ભારતીના પ્રતિનિધિ શ્રી આનંદભાઈ પંડ્યાએ સંસ્કૃત ભાષાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સંસ્કૃત એ માત્ર એક ભાષા નથી પરંતુ તમામ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો આધારસ્તંભ છે. સંસ્કૃતના જ્ઞાનથી જ આપણો વૈદિક અને સાંસ્કૃતિક વારસો સુરક્ષિત રહી શકે છે.આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોના અતિથિવિશેષ હસ્તે ‘બિંદુસંજ્ઞક ઉપનિષદો’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત સાહિત્ય દિન નિમિત્તે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિવિધ શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામો આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુરના જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે. કે. પરમાર, વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સંસ્કૃત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા.




