BHARUCHBHARUCH CITY / TALUKO

વાગરા: પીસાદ ગામે નજીવી બોલાચાલીમાં યુવકની કરપીણ હત્યા, હુમલાખોરે ઈંટના ઘા ઝીંકી ખેલ્યો મોતનો તાંડવ!

સમીર પટેલ, ભરૂચ

 

વાગરા તાલુકાના પિશાદ ગામમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક અને સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. નજીવી બાબતે થયેલી તકરારે એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે પળવારમાં એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. પિસાદ ગામના પંચાયત ફળિયામાં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધ પિતા છગનભાઈ અંબાલાલ મકવાણાએ પોતાના જુવાનજોધ પુત્રની લાશ જોવાનો વારો આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ લોહિયાળ ઘટનામાં પિતાએ જ હુમલાખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે.

ઘટનાની વિગતો મુજબ ગત તારીખ ૧૦/૦૩/૨૦૨૬ની રાત્રિના અગિયારેક વાગ્યાના સુમારે જ્યારે ગામ નિદ્રાધીન હતું, ત્યારે મહાદેવ મંદિર પાસેના રાઠોડ ફળિયામાં સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ છગનભાઈ મકવાણા અને કમલેશ રમણભાઈ મકવાણા વચ્ચે શાબ્દિક સંઘર્ષ થયો હતો. ગાળાગાળીથી શરૂ થયેલી આ બોલાચાલીએ જોતજોતામાં હિંસક વળાંક લીધો હતો. આવેશમાં અંધ બનેલા કમલેશ મકવાણાએ માનવતા નેવે મૂકી નીચે પડેલી ઈંટ ઉપાડી સૂર્યવર્ધનના માથાના ભાગે એકપછી એક ઝનૂની ઘા ઝીંકી દીધા હતા. માથા જેવા નાજુક ભાગે થયેલા ગંભીર હુમલાને કારણે સૂર્યવર્ધન લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો અને કરુણ મોતને ભેટ્યો હતો. આ ઘાતકી હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા વાગરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડયો હતો. હત્યાની ગંભીરતાને જોતા DYSP પી.એલ. ચૌધરી પોતે સ્થળ પર પહોંચ્યા હતા. અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસે હત્યારા કમલેશ મકવાણા વિરુદ્ધ હત્યા અને ૧૧૮(૨) હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લેવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. શાંત ગણાતા પિશાદ ગામમાં બનેલી આ રાક્ષસી ઘટનાએ પંથકના રહીશોને ફફડાટ અને આક્રોશમાં મૂકી દીધા છે.

​વાગરા પંથકમાં જાણે માનવ લોહી સસ્તું થઈ ગયું હોય તેમ છેલ્લા ટૂંકા ગાળામાં જ હત્યાનો આ ત્રીજો બનાવ સામે આવતા સમગ્ર પંથક ફફડાટ અને આક્રોશમાં ગરકાવ થઈ ગયો છે. લોહીના ડાઘા હજુ સુકાયા નથી ત્યાં એક પછી એક હત્યાના બનાવોએ પોલીસની સક્રિયતા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. પ્રથમ રહાડ નજીક બનેલી લોહિયાળ ઘટના, ત્યારબાદ પીપલીયા ગામે થયેલી વૃદ્ધની ઘાતકી હત્યા અને હવે પિસાદમાં ખેલાયેલો આ ખૂની ખેલ, વાગરા પંથક જાણે ગુનેગારોનું રમણભૂમિ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. પીપલીયાની હત્યાની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં પિશાદમાં ઈંટના ઝનૂની ઘા ઝીંકી યુવકની હત્યા કરાતા પોલીસ તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. સતત વધતા જતા ગુનાખોરીના ગ્રાફ અને હત્યારાઓના બેફામ મનસૂબાએ સામાન્ય જનતામાં ભયનો માહોલ પેદા કર્યો છે, ત્યારે હવે વાગરા પોલીસ કડક હાથે કામગીરી કરી ગુનેગારોમાં કાયદાનો ખોફ પેદા કરે તે અત્યંત અનિવાર્ય બન્યું છે.

Back to top button
error: Content is protected !!