વાત્સલ્યમ સમાચાર
નવસારી
૬૩૩ રસીકરણ બુથ, ૧૨૨૯, રસીકરણ ટીમો, ૧૬ મોબાઇલ ટીમ સાથે નવસારી આરોગ્ય તંત્રની ખડેપગે કામગીરી થકી તમામ ૧૧૬૦૯૪ બાળકોને પોલિયો રસી આપવામાં આવી.. વિશ્વમાં આજે પણ અનેક રોગો લોકજીવનને મોટાપાયે ગ્રસિત કરી બેઠાં છે. સામાન્ય રીતે બાળકના જન્મ સાથે જ અનેક રોગોથી બચાવવા માટે રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ. આમ છતાં હજુ ઘણા નવા જન્મેલા બાળકોને સુરક્ષા આપવામાં માતાપિતા સક્ષમ નથી ત્યારે આ રોગોથી તેમને સુરક્ષિત રાખવાનુ ઉમદા કાર્ય રાજય સરકારનો આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. જન્મતાં જ બી.સી.જી. ની રસીથી લઈ નૂરબીબી, ઓરી,અછબડા, મગજના તાવ, ગંભીર લીલા ઝાડ અને ન્યુમોનિયાની રસી જેવા બાળકોના જીવના દુશ્મન જેવા તમામ રોગની રસી પણ સરકાર નિ:શુલ્ક પૂરી પાડે છે. ત્યારે આ રસીઓમા પોલિયોની રસીની ઝુંબેશને કેમ ભૂલી શકાય? પોલીયો એક ગંભીર બીમારી છે. મોટાભાગે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેનાથી સંક્રમિત થાય છે. પોલિયો એ પોલિયો વાયરસથી થતો રોગ છે. આજે જંગલી પોલિયો વાયરસ પ્રકાર 2 અને 3 નાબૂદ થઈ ગયા છે, પરંતુ પ્રકાર 1 હજુ પણ વિશ્વના કેટલાક ભાગોમાં અસ્તિત્વ ધરાવે છે. પોલિયોને રોકવા માટે રસીકરણ એ જ શ્રેષ્ઠ માર્ગ છે. પોલિયોનો કોઈ ઈલાજ નથી.પોલીયો કેવી રીતે ફેલાય છે? ગંદુ પાણી પીવું કે તેમાં ભોજન બનાવવું,ટોયલેટ જઈને સરખા હાથ ન ધોવા,સંક્રમિત વ્યક્તિના થૂંક, લાળ લે મળના સંપર્કમાં આવવું – ગંદા પાણીમાં સ્વિમિંગ કરવું-ગંધુ ભોજન જમવાથી,પોલીયોના લક્ષણ શું છે?તાવ, સુકુ ગળું, માથામાં દુખાવો, પેટનો દુખાવો, ઝાડા-ઉલટી, થાક, માંસપેશીઓમાં જકડન, હાથ કે પગને હલાવવામાં તકલીફ, લકવા જેવા લક્ષણો જોવા મળે છે. પોલિયો વાયરસ તમારા મોં કે નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરી લકવાનું કારણ બને છે.શું છે બચવાના રસ્તા?
પોલીયોથી બચવાનો એકમાત્ર ઉપાય તેની વેક્સીન/રસીકરણ છે. ભારતમાં ઓરલ પોલીયો વેક્સીન આપવામાં આવે છે. દરેક 5 વર્ષથી નાના બાળકોને પોલીયો ડ્રોપ્સ પીવડાવવામાં આવે છે. ભારત પોલિયો નાબૂદ દેશ હોવા છતાં રસીકરણની શું જરૂર છે? આજે પણ વિશ્વના કેટલાક ભાગોમાં પોલિયોના કેસ છે. જ્યારે અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે, ત્યારે પોલિયોને નાબૂદ કરવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો હજુ પણ ચાલુ છે. આજે વિશ્વમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પોલિયોના કેસ જોવા મળ્યા છે. ત્યારે આપણા પાડોશી દેશોમાં તેના કેસ જોવા મળતા આપણને આ બાબતે ધ્યાન આપવું જરૂરી છે.
વિશ્વના ઘણા ભાગોમાં લક્ષણો સાથેનો પોલિયો હવે જોવા મળતો નથી, વિશ્વવ્યાપી રસીકરણ કાર્યક્રમોને કારણે મોટાભાગના દેશોમાં પોલિયો નાબૂદ માનવામાં આવે છે. પોલીયો હવે તે વિસ્તારમાં ફેલાતો નથી પરંતુ જ્યારે લોકો રસી લેવાનું બંધ કરે છે, ત્યારે પોલિયો ફરીથી ફેલાવવાનું શરૂ કરી શકે છે. આ માટે સમયાંતરે પોલિયો ઝુંબેશ દ્વારા સમૂહ રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે.
નવસારી જિલ્લાના પાંચ વર્ષથી નીચેના ૧૧૬૦૯૪ બાળકોને રસી આપવા માટે ૬૩૩ રસીકરણ બુથ તેમજ ૧૨૨૯ રસીકરણ ટીમો, ૧૬ મોબાઇલ ટીમો, ૨૩ ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી હતી. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વંયસેવકો ફરજ નિભાવી હતી .તથા આ તમામ આયોજનના અસરકારક અમલ માટે ૧૧૬ સુપરવાઈઝરો સહિત જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી, જીલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી,સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમ ત્રણ દિવસ ખડેપગે કામગીરી કરી હતી. ટીમ દ્વારા લાભાર્થીઓના ઘરે ઘરે જઇ, અંતરિયાળ વિસ્તારોમાં પગપાળા જઇ, રેલ્વેસ્ટેશન, બસ સ્ટેન્ડ ખાતે અને મજુર વર્ગો માટે ગામના છેવાડાના વિસ્તારોએ પણ એકે બાળકને પોલીયોના બે ટીપા પીવડાવી પોતાને જવાબદારી સફળતા પુર્વક પૂર્ણ કરવામાં આવી છે.આ અભિયાનમાં જોડાઈ નવસારી જિલ્લાના વાલીઓએ પણ જિલ્લા તંત્રનો સાથ સહકાર આપતા ત્રીદિવસીય કાર્યક્રમમાં નવસારી જિલ્લાના તમામ બાળકોને આવરી લઇ ૧૦૦ ટકા સિધ્ધિ હાંસલ કરી છે. જેના માટે સમગ્ર જિલ્લા તંત્ર અભિનંદનને પાત્ર છે.