Rajkot: રાજકોટ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા પહેલાં ૪૩ હજાર લાભાર્થીઓને ચૂકવાઈ ૧૦૮ કરોડની રકમની સહાય
તા.૨૬/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ૨૭મી સપ્ટેમ્બરે ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે
Rajkot: રાજકોટનો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતિ પ્રવીણાબહેન રંગાણીની અધ્યક્ષતામાં, ૨૭મી સપ્ટેમ્બરે, ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાવા જઈ રહ્યો છે. જેમાં આશરે ૨૩૦૦ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત રૂપિયા સવા ત્રણ કરોડથી વધુની રકમની સહાયનું વિતરણ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે, આ ગરીબ કલ્યાણ મેળા પહેલાં જ રાજકોટ જિલ્લામાં ૪૩ હજારથી વધુ લાભાર્થીઓને રૂપિયા ૧૦૮ કરોડ ૬૫ લાખથી વધુની રકમની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.
વિસ્તૃત વિગતો જોઈએ તો, આ વર્ષના ગરીબ કલ્યાણ મેળા અગાઉ જ, રાજકોટ જિલ્લામાં ૭૩ જેટલી યોજનાઓ હેઠળ ૨૬,૪૫૨ પુરુષો તથા ૧૭,૨૭૩ મહિલાઓ મળીને ૪૩,૭૨૫ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.
જેમાં અન્ન, નાગરિક પૂરવઠો અને ગ્રાહકોની બાબતોની અન્નપૂર્ણા યોજના હેઠળ ૧૭૭૬ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૬૯૦૦થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ હેઠળ રૂ.૮૫.૪૮ કરોડની સહાય ચૂકવાઈ છે. આ જ વિભાગની નમોશ્રી યોજના હેઠળ બે હજારથી વધુ લાભાર્થીઓને રૂ.૫૭.૮૪ લાખની સહાયનું વિતરણ કરાયું છે.
ઉદ્યોગ અને ખાણખનીજ વિભાગ દ્વારા વાજપેઈ બેન્કેબલ યોજના હેઠળ રૂ. ૩૭ લાભાર્થીઓને ૩૨.૮૭ લાખની સહાય આપવામાં આવી છે. ગ્રામ વિકાસ વિભાગના કમિશનરશ્રી દ્વારા સ્વ સહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ પેટે ૨૨૧ લાભાર્થીઓને રૂ.૬૫.૪૬ લાખની સહાય ચૂકવાઈ છે. જ્યારે સ્વ સહાય જૂથોને બેન્ક લોન યોજના હેઠળ ૧૪૯ લાભાર્થીઓને રૂ. ૩ કરોડ ૧૧ લાખની સહાય અપાઈ છે. વિવિધ ૫૭ જેટલા સ્વ સહાય જૂથોને કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ પેટે ૮૫ લાખ ૫૦ હજારની સહાય અપાઈ છે. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના હેઠળ ૩૨૭ લાભાર્થીઓને રૂ. ૪૩ લાખ ૯૮ હજારની સહાય આપવામાં આવી છે.
કૃષિ અને સહકાર વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ ૮૩૧ લાભાર્થીને રૂ. ૪૬ લાખ ૭૬ હજારની સહાય ચૂકવવામાં આવી છે. ફળઝાડ વાવેતર માટે ૯૩ લાભાર્થીઓને રૂ. નવ લાખ ૬૦ હજારની સહાય ચૂકવાઈ છે. ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ ૧૯ લાભાર્થીઓને રૂ. ૩૮ લાખની સહાય ચૂકવાઈ છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગની ટેક હોમ રાશન યોજના હેઠળ ૧૩૭૦ લાભાર્થીઓને રૂ.૪ લાખ ૧૮ હજારની સહાય અપાઈ છે. જ્યારે વ્હાલી દીકરી યોજના હેઠળ ૬૭૬ લાભાર્થીઓને રૂ. સાત કરોડ ૪૯ લાખની સહાય ચૂકવાઈ ગઈ છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ ૨૫૩૨ લાભાર્થીઓને રૂ. એક કરોડ ૨૬ લાખથી વધુની સહાય આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગની વિકલાંગ બાળકોને સંકલિત શિક્ષણ યોજના હેઠળ ૭૯૮ લાભાર્થીઓને રૂ.૩૧ લાખથી વધુની સહાય આપવામાં આવી છે. સામાજિક ન્યાય અધિકારિતા વિભાગની ઓ.બી.સી.-એસ.ઈ.બી.સી. જાતિની કન્યાઓને કુંવરબાઈના મામેરા યોજનામાં નાણાકીય સહાય અંતર્ગત ૧૩૭૯ લાભાર્થીઓને રૂ. એક કરોડ ૬૬ લાખની સહાય આપવામાં આવી છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ ૧૯ લાભાર્થીઓને રૂ. નવ લાખ ૫૦ હજારની સહાય અપાઈ છે. સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર મરણોત્તર સહાય અંતર્ગત ૧૧૧ લાભાર્થીઓને રૂ. પાંચ લાખ ૫૦ હજારની સહાય અપાઈ છે. પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ ૨૧૬ લાભાર્થીઓને રૂ. ૭૭ લાખ ૧૬ હજારની રકમની સહાય ચૂકવાઈ છે.
નોંધનીય છે કે, ૨૭મી સપ્ટેમ્બરે ગોંડલ ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં આશરે ૨૩૦૦ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત રૂપિયા સવા ત્રણ કરોડથી વધુની રકમની સહાયનું વિતરણ કરવામાં આવશે.