
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – શીણાવાડ ગામે 15 વર્ષથી રોડ બિસ્માર, ગ્રામજનો ના R&B વિભાગ સામે ગંભીર બેદરકારી ના આક્ષેપો – દરખાસ્ત તૈયાર કરવામાં આવી પરંતુ જોબ નંબર મળ્યો નથી તંત્ર
મોડાસા તાલુકાના શીણાવાડ ગામે રોહિત નગરથી રતનપુર સુધીનો માર્ગ છેલ્લા 15 વર્ષથી બિસ્માર હાલતમાં છે. ગ્રામજનો માટે રોજિંદી અવર-જવર મુશ્કેલ બની ગઈ છે, છતાં રોડ ક્યારે બનશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થતી નથી.શીણાવાડ ગામે રોહિત નગરથી રતનપુર સુધીનો અંદાજે 1300 મીટરનો રોડ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ, અરવલ્લી દ્વારા તા. 19/09/2022ના રોજ અમદાવાદ વર્તુળ કચેરીમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી. તેમ છતાં આ દરખાસ્ત પર આજદિન સુધી કોઈ કામગીરી શરૂ ન થતાં R&B વિભાગની બેદરકારી સામે આવી છે.ગ્રામજનોનો આક્ષેપ છે કે દરખાસ્ત કર્યા બાદ તેની પૂછપરછ કે ફોલોઅપ લેવા માટે કોઈ અધિકારીને સમય નથી. છેલ્લા 15 વર્ષથી માત્ર રસ્તા પર મેટલ નાખ્યા બાદ કોઈ અધિકારી કે જવાબદાર મંત્રી પણ ગામમાં ફરક્યા નથી.આશરે 800 ઘરની વસ્તી ધરાવતું શીણાવાડ ગામ મુખ્યત્વે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલું છે. દૂધ, ચારો તેમજ રોજિંદી જરૂરિયાતો માટે લોકોને આ રસ્તા પરથી જ અવર-જવર કરવી પડે છે. ખાડા, ધૂળ અને કાદવથી ભરેલા રસ્તા કારણે વાહનચાલકો તેમજ ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે 80 લાખ રૂપિયાની રોડની દરખાસ્ત મંજૂર થયેલી હોવા છતાં હજુ સુધી કામ કેમ શરૂ થયું નથી..? આ સાથે ગ્રામજનોનો આક્ષેપ છે કે અરવલ્લી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગને મોટા બ્રિજ અને પુલિયા બનાવવામાં વધુ રસ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોના મૂળભૂત માર્ગો પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી રહી છે.હવે સૌ કોઈની નજર એ પર છે કે R&B વિભાગના અધિકારીઓ ક્યારે જાગશે અને શીણાવાડ ગામને ક્યારે યોગ્ય રોડ મળશે. ગ્રામજનો દ્વારા તાત્કાલિક રોડ નિર્માણની માંગ કરવામાં આવી રહી છે, નહિતર આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. બીજી તરફ રસ્તાને લઈ તંત્ર ના કર્મચારીઓ સાથે વાતચિત કરતા જાણવા મળ્યું હતું કે રસ્તાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે પરંતુ એનો જોબ નંબર ફાળવવામાં આવ્યો નથી જેને લઇ રસ્તો બન્યો નથી તે વાત જાણવા મળી હતી





