
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં મોબાઇલ એસેસરી શોપના ઓપનિંગમાં ગિફ્ટ લેવા લોકોની ભારે ભીડ, અફરાતફરીનો માહોલ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલ આઇકોનિક બસ પોર્ટ ખાતે એક ખાનગી મોબાઇલ એસેસરી શોપના ઉદ્ઘાટન પ્રસંગે ગિફ્ટ વિતરણ દરમિયાન ભારે અફરાતફરી સર્જાઈ હતી. સસ્તી પ્રસિદ્ધિ અને પ્રમોશનના ભાગરૂપે ગિફ્ટ વિતરણની જાહેરાત કરાતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.માહિતી મુજબ બસ પોર્ટના બીજા માળેથી ગિફ્ટ લોકો તરફ ફેંકવામાં આવતા તેને મેળવવા માટે લોકોમાં પડાપડી મચી હતી. ગિફ્ટ મેળવવાની હોડમાં એક સમયે ધક્કામુક્કી અને અવ્યવસ્થાનો માહોલ સર્જાયો હતો.ભીડ સતત વધી જતાં સ્થિતિ નિયંત્રણ બહાર જવાની શક્યતા ઉભી થઈ હતી. જેને પગલે સ્થાનિક પોલીસ તેમજ ખાનગી બાઉન્સરોની મદદ લેવામાં આવી હતી. પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ સ્થળ પર પહોંચી ભીડને નિયંત્રિત કરી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ સામે આવ્યા નથી. જોકે ગિફ્ટ વિતરણની પદ્ધતિને લઈને સ્થાનિકોમાં અનેક સવાલો ઉભા થયા છે.





