GUJARATTHARADVAV-THARAD

પીવાના પાણીની લાઈનમાં ગેરકાયદેસર કનેક્શનનો ખેલ? કરણાસર પાટિયા પાસે ડામર ફેક્ટરી સામે ગંભીર આક્ષેપ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ તાલુકાના કરણાસર પાટિયા નજીક આવેલી ડામર ફેક્ટરી સામે પાણી પુરવઠાની સરકારી લાઈનમાંથી ગેરકાયદેસર કનેક્શન લઈ પાણીનો ઔદ્યોગિક ઉપયોગ કરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ઘટનાસ્થળના ફોટા અને વિડિયો પણ સામે આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે, જેના આધારે સમગ્ર મામલે તાત્કાલિક તપાસની માંગ ઉઠી છે.

હાલ ચોમાસામાં પણ પૂરતો વરસાદ ન પડતા વાવ-થરાદના અનેક છેવાડાના ગામોમાં પીવાના પાણીની સમસ્યા યથાવત છે. ઘણા વિસ્તારોમાં લોકો મર્યાદિત પાણી પર નિર્ભર છે. આવા સમયે જો સરકારી પાણીની લાઈનમાંથી ગેરકાયદેસર રીતે પાણી લઈ ડામરના કામમાં તેનો ઉપયોગ થતો હોય, તો તે સામાન્ય લોકોના હક્કના પાણી સાથેનો ગંભીર અન્યાય ગણાય.

સ્થાનિકોના આક્ષેપ મુજબ પાણી પુરવઠાની મુખ્ય લાઈન સાથે ગેરરીતિથી કનેક્શન કરીને મોટી માત્રામાં પાણી ડામર પ્લાન્ટમાં વપરાઈ રહ્યું છે. જો તપાસમાં આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.

ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર, પાણી પુરવઠા વિભાગ અને સંબંધિત અધિકારીઓને સ્થળ પર તાત્કાલિક તપાસ કરી ગેરકાયદેસર કનેક્શન દૂર કરવા તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!