
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં પ્રોહિબિશન અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે સુબીર પોલીસ સ્ટેશન વિસ્તારના ગવહાણ ગામે દરોડો પાડીને મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસ દ્વારા ચાર આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ ગુનામાં સંકળાયેલા અન્ય ૮ ઇસમો સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડાંગ LCB પી.એસ.આઈ.જે.જી. અનડકટ અને તેમની ટીમે સમગ્ર જિલ્લામાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ગવહાણ ગામના બારીપાડા ફળિયામાં રહેતા સુરેશભાઈ રેવાભાઈ દેસાઈના ઘરે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ખાલી કરી ઘરમાં રાખવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી.બાતમીના આધારે પંચોની હાજરીમાં ત્વરિત દરોડો પાડતાં પોલીસે સ્થળ પરથી ૪ ઇસમોને ઝડપી લીધા હતા. પોલીસે ઘર અને બહાર પાર્ક કરેલી કારની તલાશી લેતાં ૧૮૦ એમ.એલ.ની વિદેશી દારૂની ૨,૯૪૯ બોટલો (કિંમત ₹૩,૮૪,૯૪૫/-), બીયરના ૩૬૦ ટીન (કિંમત ₹૪૫,૦૦૦/-) અને દેશી દારૂ ‘ટેંગો પંચ’ની ૮૯ બોટલો (કિંમત ₹૩,૫૬૦/-) મળી કુલ ૩,૩૯૮ નંગ દારૂ/બીયર (કિંમત ₹૪,૩૩,૫૦૫/-) જપ્ત કર્યો હતો.આ ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ૧ મારૂતિ સ્વિફ્ટ કાર, ૨ મોટરસાઇકલ (યુનિકોર્ન અને સીડી-ડીલક્સ), ૩ એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને ₹૫,૮૫૦ રોકડા મળી કુલ ₹૭,૪૪,૩૫૫/- નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.ઝડપાયેલા આરોપીઓમાં સુરેશભાઈ રેવાભાઈ દેસાઈ (ઉં.વ. ૨૪), રેવાભાઈ હુડીયાભાઈ દેસાઈ (ઉં.વ. ૪૪), સંજયભાઈ ઉર્ફે સંજુ ઝીમનભાઈ સિંદે (ઉં.વ. ૨૪) અને વણકરભાઈ રમણભાઈ માળવી (ઉં.વ. ૨૩)નો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો પૂરો પાડનાર, ભરી આપનાર અને મંગાવનાર અન્ય ૮ ઇસમોના નામો ખુલતાં કુલ ૧૨ આરોપીઓ વિરુદ્ધ સુબીર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..





