RAMESH SAVANI

Ramesh Savani : ભલા થવા ભગત થવું જરુરી નથી !

[ભાગ-21]
BAPS દ્વારા પ્રકાશિત પુસ્તક ‘સત્સંગ વિહાર’ ભાગ-1માં પેજ-14 પર લખ્યું છે : “11 વર્ષની ઉંમરે ઘનશ્યામ પ્રભુએ ઘરનો ત્યાગ કર્યો. હવે તેઓ ઘનશ્યામમાંથી નીલકંઠવર્ણી બન્યા. અને આખા ભારતની ધર્મયાત્રાએ નીકળ્યા. ઉત્તર ભારતમાં શ્રીપુર નામનું ગામ છે. ગામના પાદરે કમલેશ્વર મઠ છે. ગામથી થોડે દૂર એક મોટું જંગલ. નીલકંઠવર્ણી મઠ આગળ આવ્યા. ત્યાં એક ઝાડ હતું. વર્ણીએ તેના ઓટલા પર રાત રહેવાનું નક્કી કર્યું. ત્યાં તો મઠમાંથી મહંત વગેરે દોડતા આવ્યા. તેમણે કહ્યું કે ‘અહીં રોજ એક સિંહ આવે છે. મઠમાં આવો અને જીવ બચાવો !’ વર્ણીએ કહ્યું, ‘તો શું તમારા મઠમાં આવે, તે કદી નહીં મરે? મોત શું મઠમાં નહીં આવે? હું રાત્રે અહીં જ રહીશ !’ પછી અડધી રાત થઈ. સિંહ છલાંગ મારતો ઓટલા પાસે આવ્યો. વર્ણીએ સિંહને ઈશારો કર્યો. હિંસક સિંહ પાળેલા પશુની જેમ એમની પાસે સૂઈ ગયો. મહંત તો મઠની બારીમાંથી આ જોતાં જ રહ્યા…મહંતે વર્ણીને નમન કર્યા ને કહ્યું, તમે તો સાક્ષાત્ ઈશ્વર છો…” ‘સત્સંગ વિહાર’ ભાગ-2માં પેજ-7 પર લખ્યું છે : “એકવાર યોગીજી મહારાજ ભાવનગર પધાર્યા હતા. પ્રભુદાસ નામના હરિભક્તે જમવાનું આમંત્રણ આપ્યું હતું. રસોઈ તૈયાર થઈ. થાળનો સમય આવ્યો. 10 લાડુ/ દાળ/ભાત/ શાક/ ભજીયા વગેરેનો થાળ ભગવાનને ધરાવવામાં આવ્યો. સાથે પાણીના બે કટોરા મૂક્યા. કેટલાક ભક્તોએ યોગીજી મહારાજને કહ્યું, ’સ્વામી ! આજે મહારાજ અને સ્વામી સાક્ષાત્ આપના હાથનો થાળ જમે, તેમ પ્રાર્થના કરો.’ યોગીજી મહારાજ હસીને કહે, ‘સારું .’ પડદા બંધ થયા. યોગીજી મહારાજ ગદગદભાવે 3 થાળ બોલ્યા. અડધો કલાક વીતી ગયો. પણ જ્યારે પડદો ખૂલ્યો ત્યારે સૌની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. થાળમાં 5 લાડું જ વધ્યા હતા ! દાળ, ભાત, શાક અને ભજીયા પણ ઓછાં થયાં હતાં ! ને પાણીના બે કોટારા તો સાવ જ ખાલી થઈ ગયા હતા ! ભગવાન અને સંત મૂર્તિમાં રહે જ છે.”
સહજાનંદજીનું જીવન 3 એપ્રિલ 1781થી 1 જૂન 1830 સુધીનું હતું. આ સમય દરમિયાન ઉત્તરપ્રદેશમાં કોઈ જગ્યાએ સિંહનું અસ્તિત્વ ન હતું; છતાં બાળ પ્રભુને ભગવાન ચીતરવા આવું ગપ્પું લખી નાખ્યું ! મૂર્તિ પાણીના બે કટોરા પી જાય, 5 લાડવા ખાઈ જાય તો એ મૂર્તિ ભૂખ્યા લોકો માટે ભોજનનો પ્રબંધ ન કરી શકે? તરસ્યા લોકો માટે પાણીની વ્યવસ્થા ન કરી શકે? મૂર્તિ લાડવા ખાય તેને અધ્યાત્મ કે ઈશ્વર સાથે કોઈ સંબંધ ખરો? સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય એટલે જૂઠ અને ગપ્પાંઓનું જંગલ ! ‘સત્સંગ વિહાર’ ભાગ-1 તથા ભાગ-2 બાળસભા તથા બાળ સત્સંગ શિક્ષણ પરીક્ષા માટેની પુસ્તકશ્રેણી છે. બાળમાનસને પ્રદૂષિત કરવાથી સંપ્રદાયને સંકુચિત માનસિકતા વાળો ભગત મળે છે ! સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય લોકોને વિચારશૂન્ય કરી મૂકે તેવું છે. તેમાં અવતારવાદ/ સર્વોચ્ચ ભગવાન/ અક્ષરધામ/ મૂર્તિપૂજા/ પ્રગટ બ્રહ્મસ્વરુપ/ પૂર્વજન્મ/ પુનર્જન્મ/ કર્મફળ/ ચમત્કાર/ ભાગ્યવાદ વગેરેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ બધી બાબતો કાલ્પનિક છે. કદાચ માણસને સીધા રસ્તે દોરવા આવા સિદ્ધાંતો રજૂ કર્યા હશે. પરંતુ આવા સિદ્ધાંતો સત્સંગીઓને કટ્ટર/ જડ / અંધશ્રદ્ધાળુ બનાવે છે ! સંત્સંગીઓ અક્ષરધામની લાલચમાં અસત્ય/ જૂઠના રસ્તે ચાલે તો તે અધર્મ આચરે છે. પ્રગટ બ્રહ્મ સ્વરુપો પોતાના સંપ્રદાયનો વાડો મોટો કરવા જૂઠ/ પરચાનો સહારો લે તો તે અધર્મ આચરે છે ! ડો. અબ્રાહમ કોવૂરે ‘બીગોન ગોડમેન’ પુસ્તકમાં કહ્યું છે : ‘તમામ ચમત્કારો/ આધ્યાત્મિક અનુભૂતિઓ/ સાક્ષાત્કારો છેતરપિંડી છે; અથવા માનસિક રોગનું પરિણામ છે !’
ભગવાન એટલે એક પ્રકારનો પોલીસમેન કે રાજા; એના ભય વિના નીતિ નહીં, એવી માન્યતા છે. બહુ ઓછા લોકોને ઊંડા અધ્યાત્મમાં રસ હોય છે; પણ 90% થીય વધુ લોકો ધર્મ/ સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવે છે. આવી શ્રદ્ધામાં સૌથી મહત્ત્વનું કારણ તેમની એ માન્યતા છે કે ધર્મ એટલે નીતિ અને અધર્મ એટલે અનીતિ. ધાર્મિક એટલે ભલો માણસ ને અધાર્મિક એટલે દુરાચારી.
ધર્મ અને નીતિ, એ બન્ને એક જ છે, એ માન્યતાનાં બે કારણો છે : [1] પરાપૂર્વથી ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર એક્બીજા સાથે જોડાયેલાં રહ્યાં છે. ધર્મ એટલે કર્તવ્ય કે નીતિ. [2] જે કાંઈ ના સમજાય, ના સમજવું હોય કે ટાળવું હોય, એને ભગવાનના નામે ચડાવી દેવાની આપણી ટેવ. ધર્મ પુરસ્કૃત વહેમો, વાર્તાઓ અને અસત્યોનો વ્યાપાર આજે ધમધોકાર ચાલી રહ્યો છે. આ બધું સ્વીકારતા હોવા છતાં અસંખ્ય વિદ્વાન અને સમજદાર લોકો સુધ્ધાં ધર્મના પાખંડને છોડી શકતા નથી ! ટૂંકમાં, નીતિ એ ધ્યેય હતું. ધર્મ એ માર્ગ હતો. આપણે ધર્મને ધ્યેય માની લીધો. નીતિને પ્રાધાન્ય આપી આપણે ધર્મને એના રસ્તે વાળવો પડશે કે છોડવો પડશે. અનીતિમય ધર્મ કરતાં અધાર્મિક નીતિ હજાર દરજ્જે સારી કહેવાય.
નીતિ એટલે શું? [1] બીજા પાસેથી આપણે જેવા વર્તનની અપેક્ષા રાખીએ, એવું જ વર્તન આપણે તેના તરફ કરીએ. [2] માણસે પોતાના હિત માટે નીતિનું પાલન કરવું જોઈએ. તે માટે ઈશ્વરની આજ્ઞાની જરુર નથી કે ભયની પણ જરુર નથી. મારા પોતાના અને સમાજના લાંબા ગાળાના હિત માટે એ જરુરી છે. [3] સૌથી વધુ સંખ્યામાં માણસોનું, સૌથી વધારે ભલું થાય એ માટે સારા થવું જોઈએ. સમસ્ત માનવ જાતના હિતમાં એ અનિવાર્ય છે. ધર્મ વિના નીતિ અને ધાર્મિકતા વિના સજ્જનતા ટકી શકે છે; ધર્મનો અભાવ એ અનીતિ નથી; નીતિવાન થવા/ ભલા થવા ભગત થવું જરુરી નથી. તિલક-ચાંદલો જરુરી નથી, કર્મકાંડ જરુરી નથી. આ વાત સહજાનંદજીના જન્મથી લગભગ 125 વરસ પહેલાં અખાએ અને 263 વરસ પહેલાં કબીરે કરી હતી. આ વાત સહજાનંદજીના સમકાલિન ભોજા ભગતે (1785/1850) કરી હતી. ભગતસિંહ; અવતારવાદ/ સર્વોચ્ચ ભગવાન/ અક્ષરધામ/ મૂર્તિપૂજા/ પ્રગટ બ્રહ્મસ્વરુપ/ પૂર્વજન્મ/ પુનર્જન્મ/ કર્મફળ/ ચમત્કાર/ ભાગ્યવાદમાં માનતા ન હતા; છતાં તેમના જેવું આદર્શ ચરિત્ર કોઈ ‘સર્વોચ્ચ ભગવાનમાં કે પ્રગટ બ્રહ્મસ્વરુપ’માં જોવા મળતું નથી ! ધર્મથી નીતિમય જીવન જુદું પાડી ન શકાય એવી ગેરસમજના કારણે અનેક લોકો સંપ્રદાયોને વળગી રહે છે. ધ્યેયનું મહત્ત્વ વધારે હોય કે માર્ગનું? નીતિનો સાચો ને સારો પાયો ઈશ્વર હોય કે માનવ સમાજનું હિત હોય? આજે તો ઈશ્વરના નામે જ ભયંકર અનીતિ ચાલી રહી છે. કેટલાક દુરાચારી સાધુઓ, ધર્મગુરુઓ, પાદરીઓ, મૌલવીઓ ધર્મના નામે નીતિનું અપહરણ કરનારા સમાજદ્રોહી છે. ઈશ્વર નામનો કોઈ પોલીસમેન કે ધર્મ નામની કોઈ સંસ્થા હોય કે ના હોય, એના ભયથી નીતિ પાળવી જરુરી નથી; પરંતુ સમગ્ર માનવ જાતિનાં અસ્તિત્વ અને પ્રગતિ માટે આવશ્યક એવી નીતિ પાળવી આજે અનિવાર્ય છે. એનો પાયો માત્ર સમાજહિત જ છે.
જ્યાં ધર્મ/ સંપ્રદાય હોય ત્યાં નીતિની વાતો સાથે બીજા ખોટા સિદ્ધાંતો હોય છે; જેમકે મૂર્તિપૂજા/ પુનર્જન્મ/ અવતારવાદ/ કર્મવાદ/ ચમત્કાર/ ભાગ્યવાદ ! ‘ભાગ્યમાં હશે તે થશે’, ‘લખ્યા લેખ કોણ ટાળી શકે?’, ‘પૂર્વ જન્મનાં જેવાં કરમ’ આવી વાતોને આપણે ચિરકાલિન વિશ્વ-સિદ્ધાંત માની લઈએ છીએ. આપણે માનીએ છીએ કે પુરુષાર્થ વ્યર્થ છે; કારણ કે આપણે કશું કરી શકતા નથી, બધું આગળથી નક્કી થયેલું હોય તે જ થાય છે. પરિશ્રમ કે પુરુષાર્થ કરવાની કોઈ પ્રેરણા; ઉદ્યમ કરવાનો કોઈ હેતુ; પ્રયત્ન જારી રાખવાનું કારણ કે પ્રેરકબળ-Motivation ભારતીય માનસમાં જન્મતું નથી, કદાચ જન્મે તો પોષાતું નથી. ગઝની જેવો મોટો શત્રુ આવ્યો ત્યારે આપણે શરુઆતમાં માન્યું કે સોમનાથ ભગવાન એને નષ્ટ કરશે. પરંતુ મંદિર જ નષ્ટ થઈ ગયું ! ત્યારે માન્યું કે આપણું ભાગ્ય જ ફૂટેલું હશે. આપણાં પાપની શિક્ષા હશે. આ પ્રકારની માન્યતાઓ ખોટી તો છે જ; સાથે ખતરનાક પણ છે, કેમકે એના લીધે આપણે આગળ વિચાર કરતા અટકી જઈએ છીએ કે આપણા પરાજયનાં સાચાં કારણો શાં હતાં? વિચારસરણીમાં ખામી હતી? હથિયારોની ખામી હતી? સૈનિકો ઓછા પડ્યા? શિસ્ત તૂટી? વ્યૂહરચના ખોટી હતી? આપણા ભવિષ્યનું ઘડતર આપણે ત્યારે જ કરી શકીએ, જ્યારે આપણી જાતને ભાગ્યના શિકાર કે રમકડું કલ્પવાનું છોડી દઈએ. સંપૂર્ણ નિયંત્રણ આપણા હાથમાં ન હોય છતાં; વધુ સારાં પરિણામોની શક્યતા વધારવા ખાતર આપણે ઘણું બધું કરી શકીએ છીએ. સક્રિયતા અને સુધારણા, ફરી કાર્ય, ફરી વધુ સુધારણા, એ જ યોગ્ય રીત છે. જો ભાગ્યવાદ સત્ય હોય તો ‘સર્વોચ્ચ ઈશ્વર’ની કે પ્રગટ બ્રહ્મસ્વરુપની કૃપાની જરુર પડે?rs [સંપૂર્ણ]

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!