દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે નાબાર્ડના ડીડીએમની દ્વિમાસિક બેઠક યોજાઈ

22 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
દાંતીવાડા ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા અને પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકાયો.નાબાર્ડ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટરને વધુ સશક્ત બનાવવા કરાયું મંથન.નાબાર્ડ, ગુજરાત પ્રાદેશિક કચેરીના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ મેનેજર્સની દ્વિમાસિક બીજી બેઠકનું આયોજન તા. ૨૦ અને ૨૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અધ્યક્ષસ્થાને યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. એસ. ચંદેલ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના અધ્યક્ષીય સંબોધનમાં તેમણે નાબાર્ડ દ્વારા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પશ્ચિમ ભારતનું અનોખું રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટર (આરબીઆઈસી) સ્થાપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકતા તથા નવીનતાના મહત્વ સાથે પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને તેના લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.નાબાર્ડ, ગુજરાત પ્રાદેશિક કચેરીના મુખ્ય મહાપ્રબંધક શ્રી બી. કે. સિંઘલે બેઠકના સફળ આયોજન બદલ યુનિવર્સિટી અને કુલપતિનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આરબીઆઈસી દ્વારા ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે કરવામાં આવી રહેલા કાર્યની પ્રશંસા કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓ, નવોદિત ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સના હિતમાં આરબીઆઈસીની પ્રવૃત્તિઓને વધુ સશક્ત અને વ્યાપક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.નાબાર્ડ પુરસ્કૃત એસડીએયુ આરબીઆઈસી સેન્ટરના નોડલ ઓફિસર ડૉ. એસ. ડી. સોલંકીના માર્ગદર્શન હેઠળ આરબીઆઈસીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) શ્રી યશ પાઢીયારે કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ, નોંધપાત્ર સિદ્ધિઓ તેમજ ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલા કાર્યોની વિગતવાર રજૂઆત કરી હતી, જેને ઉપસ્થિત તમામ અધિકારીઓએ ખૂબ પ્રશંસાપાત્ર ગણાવી હતી. કાર્યક્રમ દરમિયાન આરબીઆઈસી સાથે સંકળાયેલા ત્રણ સ્ટાર્ટઅપ્સને તેમના નવીન ઉત્પાદનો અને ટેક્નોલોજીની રજૂઆત કરવાની તક પણ આપવામાં આવી હતી.આ બેઠક જ્ઞાનના આદાન-પ્રદાન, પરસ્પર સંવાદ તેમજ ગ્રામીણ વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રમાં વિવિધ સંસ્થાઓ વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવામાં અત્યંત ઉપયોગી અને સફળ સાબિત થઈ હતી તેમ યુનિવર્સિટી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.






