MORBI:મોરબીની રવિરાજ ચોકડી પાસે ક્રેનનો પટ્ટો તૂટતાં ગમખ્વાર અકસ્માત: એક શ્રમિકનું કમકમાટીભર્યું મોત, ત્રણ ગંભીર

MORBI:મોરબીની રવિરાજ ચોકડી પાસે ક્રેનનો પટ્ટો તૂટતાં ગમખ્વાર અકસ્માત: એક શ્રમિકનું કમકમાટીભર્યું મોત, ત્રણ ગંભીર
રાજકોટ-કંડલા બાયપાસ પર આવેલ એ&જે માઈક્રોન્સ કારખાનાની ઘટના
લોખંડનું ભારેભરખમ પ્લેટફોર્મ શ્રમિકો પર ખાબક્યું: સાઇ ક્રેન સર્વિસના બે ઓપરેટરો વિરૂદ્ધ ગુનો દાખલ

મોરબીની રવીરાજ ચોકડી પાસે આવેલા એક કારખાનામાં ક્રેન ઓપરેટરોની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ શ્રમિકે જીવ ગુમાવ્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજકોટ-કંડલા બાયપાસ પર આવેલા કારખાનામાં સાયલો પર લોખંડનું ભારેભરખમ પ્લેટફોર્મ ચડાવતી વખતે ક્રેનનો નબળો પટ્ટો તૂટી પડતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સાઇ ક્રેન સર્વિસના બે ઓપરેટરો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ મોરબીની ત્રાજપર ચોકડી પાસે ડાયમંડ કારખાનાના લેબર ક્વોટરમાં રહેતા વિવેકભાઈ વિજયભાઈ રાજભર (ઉ.વ.૨૦) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમના મોટા ભાઈ સંતોષભાઇ વિજયભાઇ રાજભર (ઉ.વ.૪૦) મોરબીની રવિરાજ ચોકડી પાસે રાજકોટ-કંડલા બાયપાસ ઉપર આવેલ ‘એ&જે માઈક્રોન્સ’ નામના કારખાનામાં સાયલો પર લોખંડનું વજનદાર પ્લેટફોર્મ ચઢાવવાના કામમાં અન્ય મજૂરો સાથે મદદમાં હાજર હતા.
એ જ સમયે કારખાનામાં આ કામ માટે આવેલ સાઇ ક્રેન સર્વિસના બે હાઇડ્રો ક્રેનના ઓપરેટરો પ્લેટફોર્મને બે પટ્ટા વડે ક્રેન સાથે બાંધીને ઊંચકી રહ્યા હતા. જો કે, ઓપરેટરોની ગંભીર બેદરકારી અને ક્રેન જેવા યાંત્રિક મશીન સાથે નબળા અથવા ખરાબ પટ્ટાનો ઉપયોગ કરવાના કારણે અચાનક એક પટ્ટો તૂટી ગયો હતો. પટ્ટો તૂટતાં જ લોખંડનું ભારેભરખમ પ્લેટફોર્મ નીચે કામ કરી રહેલા શ્રમિકો પર આવી પડ્યું હતું.
આ કમકમાટીભર્યા અકસ્માતમાં ફરિયાદીના ભાઈ સંતોષભાઈ રાજભરને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે કામ કરી રહેલા અન્ય ત્રણ શ્રમિકો:ભીમ મહંતો,ઉપેન્દર મહંતો ,અસલમ હનીફભાઇ નાઓને માથાના તેમજ શરીરના ભાગે નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત અંગે વિવેકભાઈ રાજભરે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે સાઈ ક્રેન સર્વિસના બે ક્રેન ઓપરેટરો તથા તપાસમાં જેમના નામ ખૂલે તે તમામ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફેક્ટરીઓ અને ક્રેન ઓપરેટરો દ્વારા સુરક્ષાના સાધનોની ગુણવત્તા બાબતે રાખવામાં આવતી ઘોર બેદરકારી વધુ એક વખત શ્રમિક માટે કાળ સાબિત થઈ છે.


