આણંદમાં બેકરી અને રેસ્ટોરન્ટ પાસેથી એક દિવસમાં રૂ. 1.13 લાખનો દંડ વસૂલ
આણંદમાં બેકરી અને રેસ્ટોરન્ટ પાસેથી એક દિવસમાં રૂ. 1.13 લાખનો દંડ વસૂલ
તાહિર મેમણ – આણંદ – 05/06/2025 – આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં આવેલી વિવિધ બેકરીઓમાં આકસ્મિક તપાસ હાથ ધરી. ક્રિષ્ના બેકરી, હરીશ બેકરી, ન્યુ લક્ષ્મી બેકરી, એ-વન બેકરી, સિલ્વર સુપર બેકરી અને સદાશિવ બેકરીમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. આ બેકરીઓ પાસેથી વહીવટી ચાર્જ પેટે કુલ રૂપિયા 1.05 લાખની વસૂલાત કરવામાં આવી હતી.
મેલેરિયા વિભાગે પણ શહેરના વિવિધ ખાદ્ય એકમોની તપાસ કરી. ક્રિસન્ટ રેસ્ટોરન્ટ, બોમ્બે બિરયાની પોઇન્ટ, ઇમરાન તવા ફ્રાય એન્ડ ચાઈનીઝ સહિત અન્ય એકમોમાં સ્વચ્છતાનો અભાવ અને મચ્છરોની ઉત્પત્તિ જોવા મળી. આ એકમો પાસેથી કુલ રૂપિયા 8,800નો દંડ વસૂલવામાં આવ્યો.
આમ, આરોગ્ય અને મેલેરિયા વિભાગે એક જ દિવસમાં કુલ રૂપિયા 1,13,800નો દંડ વસૂલ કર્યો. મહાનગરપાલિકાએ તમામ ખાદ્ય એકમોને સ્વચ્છતા જાળવવા માટે અનુરોધ કર્યો છે.