GUJARATKUTCHNAKHATRANA

પંચ કલાઓના ધામ નિરોણામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી.

સતત ત્રણ વર્ષના ૧૦૦% પરિણામ બદલ આચાર્ય- શિક્ષકોનું સન્માન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયા.

નખત્રાણા,તા-૧૬ ઓગસ્ટ : પંચ કલાઓના ધામ તરીકે જાણીતા નિરોણા ગામમાં ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓ — શ્રી સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, શ્રી નિરોણા પ્રાથમિક કુમાર શાળા અને શ્રી નિરોણા પ્રાથમિક કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી નરોતમભાઈ આહીરના હસ્તે ધ્વજવંદન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.દીપ પ્રાગટ્ય બાદ શાળાના આચાર્ય ડૉ. વી. એમ. ચૌધરીએ સ્વાગત પ્રવચન કરી શાળાની શૈક્ષણિક સિદ્ધિઓ તથા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. વિદ્યાર્થીનીઓ જાડેજા અનુબા અને ભાનુશાલી હીરે દેશભક્તિપૂર્ણ વક્તવ્ય રજૂ કર્યું હતું.નિરોણા ગ્રામ પંચાયત દ્વારા સતત ત્રણ વર્ષથી ૧૦૦ ટકા પરિણામની સિદ્ધિ બદલ આચાર્ય સહિત તમામ ગુરુજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત SSC અને HSCમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનપત્ર એનાયત કરાયા હતા. કાનજીભાઈ આહીર દ્વારા SSC- HSC માં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિધાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ઉજ્જવળ પ્રદર્શન કરનાર વંશી ભાનુશાલીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.પદ્મશ્રી પુરસ્કાર વિજેતા તથા રોગાન કલાના જાણીતા કલાકાર ગફુરભાઈએ રોગાન કલા અંગે માહિતી આપી નિરોણાની સમૃદ્ધ કલા-પરંપરાનો પરિચય કરાવ્યો હતો. મુખ્ય વક્તા નરોતમભાઈ આહીરે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.કાર્યક્રમમાં ગામજનો, સામાજિક આગેવાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન આહીર હેતલ અને સુમરા ઈકરાએ કર્યું હતું. B.Ed. તાલીમાર્થી દીપભાઈ ચૌધરી જોડાયા હતા, જ્યારે અબ્દુલભાઈએ આભારવિધિ કરી હતી. અંતે વંદેમાતરમના ગાન સાથે કાર્યક્રમની ભાવપૂર્ણ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.આ ઉજવણી નિરોણાની શૈક્ષણિક પ્રગતિ, સમૃદ્ધ કલા-સંસ્કૃતિ અને સામૂહિક એકતાનું પ્રતીક બની રહી હતી.

Back to top button
error: Content is protected !!