Rajkot: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને ૨૭ માર્ચે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
તા.૨૮/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સંબંધિત કચેરી ખાતે ૧૦ માર્ચ સુધીમાં અરજી પહોંચાડવાની રહેશે
Rajkot: ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ મુજબ લોકોએ ફરિયાદ કરવા માટે ઉચ્ચકક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે, તે હેતુસર જિલ્લાકક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૨૭ માર્ચ, ૨૦૨૫ના રોજ યોજાનારા સ્વાગત કાર્યક્રમ માટે જિલ્લાકક્ષાના પ્રશ્નો-ફરિયાદો તા. ૦૧થી તા. ૧૦ માર્ચ, ૨૦૨૫ સુધીમાં સંબંધિત ખાતા-વિભાગોની જિલ્લાકક્ષાની કચેરીના જે-તે વડાને પહોંચતા કરવા સબંધકર્તા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. અરજીમાં મથાળે “જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે.
પડતર પ્રશ્નો મોકલવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા
(૧) લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવાના રહેશે.
(૨) અગાઉ સબંધિત ખાતામાં કરેલી રજૂઆતનો આધાર રજૂ કરવો, તેમના તરફથી આપવામાં આવેલા જવાબની નકલ અરજી સાથે રાખવાની રહેશે.
(૩) અગાઉ રજૂ કરેલો પ્રશ્ન, બીજી વખત રજુ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવાનું રહેશે.
(૪) પ્રશ્ન કે અરજીમાં પ્રશ્નકર્તાનું પુરુ નામ-સરનામું અને ફોન નંબર લખવાનો રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે, અરજી સ્પષ્ટ અને મુદાસર સમજી શકાય તેવા આધારો સાથે હોવી જરૂરી છે.
(૫) અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાના રહેશે.
(૬) સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં.
(૭) પ્રશ્ન અરજદારનો પોતાનો હોવો જોઈએ. બીજા વ્યક્તિનો પ્રશ્ન ધ્યાને લેવાશે નહીં.
(૮) કોર્ટ મેટર, ચાલતા દાવાઓ, આક્ષેપો, અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહીં.
(૯) તાલુકાકક્ષાના પ્રશ્ન માટે સબંધિત મામલતદારને અરજી કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે કલેકટર કચેરી ખાતે રાજકોટ જિલ્લા પુરતા મહેસુલી તંત્રને લગતાં પ્રશ્નો રજૂ કરવાનાં રહેશે. તેમજ તા. ૨૭ માર્ચ, ૨૦૨૫ના રોજ સવારના ૧૧ કલાકે જિલ્લા કલેકટર કચેરીના ત્રીજા માળે સભા ખંડમાં કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને સંબંધિત ખાતાના અધિકારીઓ મહેસુલી તંત્ર, જિલ્લા પંચાયત, પોલીસ વિભાગ, પી.જી.વી.સી.એલ., એસ.ટી. અને પાણી પુરવઠા બોર્ડના પ્રશ્નો સાંભળશે. અન્ય ખાતાના પ્રશ્નો હોય તો તે પ્રશ્નો જે-તે ખાતાને જ મુદત હરોળ રજૂ કરવાના રહેશે. તેમજ તા. ૧૦ માર્ચ, ૨૦૨૫ બાદ આવેલી કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજુઆતવાળી, નામ-સરનામાં વગરની કે વ્યક્તિગત આક્ષેપો ધરાવતી, અરજદારનું હિત સંકળાયેલું ન હોય તેવી, કોર્ટ મેટર, આંતરીક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી તથા પ્રથમ વખતની અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં, તેમ જિલ્લા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.