GUJARAT

મહેસાણા દૂધ સાગર ડેરી ખાતે સહકાર સંસ્થા ઓની બેઠક યોજાઇ

ગ્રામ્ય સ્તરે બેંકિંગ સુવિધાઓ અને નાણાકીય પ્રવાહીતા વધારવાના હેતુ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
****
‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ અંતર્ગત મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી
૧૫ ઓગસ્ટ સુધીમાં જિલ્લાની સહકારી સંસ્થાઓ, દૂધ મંડળીઓ, એપીએમસીના તમામ સભાસદોના ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ખાતા ખોલવાની સૂચના આપતા સહકાર રાજ્યમંત્રી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર

સહકાર, ઉદ્યોગ કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને દૂધ સાગર ડેરી, મહેસાણા ખાતે સહકારથી સમૃદ્ધિ: ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ હેઠળ પાયાના સ્તરે સહકારી ચળવળને મજબૂત બનાવવા અને ગ્રામ્ય સ્તરે બેંકિંગ સુવિધાઓ અને નાણાકીય પ્રવાહીતા વધારવાના હેતુ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. સહકારી સંસ્થાઓ, દૂધ મંડળીઓ, એપીએમસીના તમામ સભાસદોના ડિ. કો.બેંકમાં ખાતા ખોલી સહકારી બેન્કિંગ સેક્ટરને મજબૂત બનાવવા અને સભાસદોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે જાગૃત્ત કરવા અને જોડવાની આ ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ અંતર્ગત મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાની કામગીરીની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.વધુમા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝન હેઠળ દેશભરમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરવામાં આવી હતી, જે ખૂબ જ સફળ રહી છે. હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં આ યોજના લાગુ કરાશે. ૧૫ ઓગસ્ટ સુધીમાં સહકારી સંસ્થાઓ, દૂધ સંઘો સાથે સંકળાયેલી તમામ દૂધ મંડળીઓ, એપીએમસીના સભાસદોના ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ખાતા ખૂલી જાય એવી સૂચના આપી હતી.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગામડાના લોકોને તાલુકા અને જિલ્લા કક્ષાએ પૈસાની લેવડદેવડ કરવા ન આવવું પડે તે માટે ગ્રામ્ય સ્તરે માઇક્રો એટીએમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. આ માઇક્રો એટીએમની વ્યવસ્થા ખેડૂતો અને પશુપાલકોને નાણાકીય લેવડ દેવડ કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે નોંધનીય છે કે, આ પાયલટ પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશ્યો ખેડૂતો અને પશુપાલકોને RuPay કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવી ૦% ના વ્યાજદરે ધિરાણ ઉપલબ્ધ કરાવવું, ખેડૂતો/દૂધ ઉત્પાદકો અને તેમના પરિવારના સભ્યો સહકારી બેંકમાં ખાતા ખોલાવી સહકારી બેંકોની સેવાઓ અને લોન મેળવે તેમજ ખેડૂતો /દૂધ ઉત્પાદકો ગામની મંડળી ખાતેથી જ બેન્કિંગ સેવાઓ મેળવી શકે એવી વ્યવસ્થા ઊભી કરવી, એટીએમ, માઈક્રો એટીએમ, RuPay ડેબિટ કાર્ડની સુવિધા આપવી એ મુખ્ય છે. આ બેઠકમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલનો ઉદ્દેશ જણાવતા કહ્યું કે, ગુજરાતની હજારો સહકારી મંડળીઓના બેંક ખાતાઓ અને થાપણોને જિલ્લા અને રાજ્ય સહકારી બેંકોના નેજા હેઠળ કેન્દ્રીયકરણ કરીને તેમની વચ્ચે સહકાર વધારવાની આ યોજના છે. જેમાં વિવિધ કોમર્શિયલ બેંકોમાં કાર્યરત સહકારી સંસ્થાઓ અને તેમના સભ્યોના વર્તમાન બેંક ખાતાઓને એકીકૃત કરવામાં આવ્યા છે, અને કેન્દ્રીયકૃત જિલ્લા સહકારી બેંક/રાજ્ય સહકારી બેંક હેઠળ લાવવામાં આવ્યા છે.આ બેઠકમાં રાજ્યના સહકાર વિભાગના સચિવ સંદીપકુમાર શાહે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ચાલતા પાયલોટ પ્રોજેક્ટ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયક, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, દશરથજી ઠાકોર, સહકારી રજિસ્ટ્રાર કમલ શાહ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ તેમજ મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાના સહકારી મંડળીઓના ડિરેક્ટરો, હોદ્દેદારો, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!