
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડીસ્ટ્રીક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી.
રાજયમાં હીટવેવની શક્યતાઓને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરથી બચવા તેમજ અન્ય જરૂરી વ્યવસ્થા કરવા સંબંઘે ડીસ્ટ્રીક્ટ હીટ એકશન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડીસ્ટ્રીક્ટ હીટ એકશન ટાસ્ક ફોર્સની બેઠકમાં કલેક્ટરશ્રીએ હીટવેવથી થતી આરોગ્યને લગતી વિપરિત અસરથી બચવા માટે જરૂરી પગલાંઓ લેવા ભારપૂર્વક જણાવ્યું હતું. સરકારી કચેરીઓ, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, આરોગ્ય કેન્દ્રો અને જાહેર સ્થળોએ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું. આ સ્થળો ખાતે આવતા જતા નાગરિકોને સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ધાર્મિક- સામાજિક સંસ્થાઓ અને અગ્રણીઓને સાથે રાખી પીવાના પાણી માટેની પરબ બનાવવાનું સૂચન પણ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમીમાં બપોરના સમયે કામ કરતાં મજૂરોને પીવાનું પાણી, છાંયડો અને યોગ્ય આરામ મળી રહે તેવી વ્યવસ્થા અંગે યોગ્ય આયોજન કરવા પણ સૂચના આપી હતી. આંગણવાડીઓ ખાતે ઓ.આર.એસ.ની સુવિધા રાખવા જણાવાયું છે.
કલેકટરશ્રીએ હીટવેવની ગંભીરતા અને તેને અનુલક્ષીને સ્વાસ્થ્યની દેખરેખ માટેના પગલાંઓ અંગે જાગૃતિ ફેલાય તે માટે પણ વાત કરી હતી. વધુમાં વિજળી અને પાણી વિતરણ પણ અવિરત થાય તે માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા તેમજ સમિતિના સભ્યશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.






