અમદાવાદમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ. આ બેઠક દરમિયાન કલેક્ટરે અધિકારીઓને પ્રોએક્ટિવ અભિગમ અપનાવી ટોચની પ્રાથમિકતા મુજબ પ્રશ્નોના હકારાત્મક ઉકેલ લાવવા સૂચના આપી.
સમયમર્યાદામાં પ્રશ્નો ઉકેલવા પર ભાર
કલેક્ટરે જણાવ્યું કે, જિલ્લા સંકલન સમિતિમાં ધારાસભ્ય અને સંસદ સભ્યો દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોનું મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સીધું મોનિટરીંગ થાય છે. તેથી, નિયત સમયમર્યાદામાં પ્રશ્નોનો ઉકેલ લાવવો જરૂરી છે. તેમણે અધિકારીઓને ધારાસભ્યો અને સંબંધિત વિભાગો સાથે સંકલન સાધી ઝડપી ઉકેલ લાવવા સૂચવ્યું.
વિકાસપ્રશ્નો અને ભવિષ્યની તૈયારી અંગે ચર્ચા
બેઠક દરમિયાન રેલવે, જમીન સંપાદન, ગટર વ્યવસ્થા, વરસાદી પાણી નિકાલ, દબાણ हटાવ, રખડતા ઢોર પર નિયંત્રણ, રોડ રિસરફેસ અને નર્મદા કેનાલ સફાઈ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. કલેક્ટરે ખાસ કરીને હિટ વેવની શક્યતા અને ચોમાસા દરમિયાન પાણી ભરાવાને અટકાવવા માટે જરૂરી કામગીરી અંગે પણ અધિકારીઓને દિશા-નિર્દેશ આપ્યો.
સંકલન અને સંવાદ પર ભાર
કલેક્ટરે કેન્દ્ર સરકારના વિભાગો સાથે સંકલન સાધવા પત્ર લખવાની સૂચના આપી. સાથે જ, અધિકારીઓને પ્રશ્નો નિકાલ માટે વ્યવહારુ સમયમર્યાદા આપીને, સંકલન અને સંવાદના માધ્યમથી સુખદ ઉકેલ લાવવાની અપીલ કરી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર, અધિક નિવાસી નાયબ કલેક્ટર હાર્દ શાહ તેમજ પ્રાંત અધિકારીઓ અને સંકલન સમિતિના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.