Rajkot: મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
તા.૨૯/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કેચ ધ રેઈન, ટી.બી.મુક્ત ભારત, એક પેડ મા કે નામ વગેરે ઝુંબેશની કામગીરી પર ભાર મૂકતા મંત્રીશ્રી
વિધાનસભા સત્રની સમાપ્તિ બાદ તુર્ત જ પ્રભારી મંત્રી તરીકે જિલ્લાના વિસ્તારોની મુલાકાત લેતા મંત્રીશ્રી
Rajkot: રાજ્યના કૃષિ તેમજ પશુપાલન વિભાગ અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળના કામો, જિલ્લા આરોગ્ય મિશન તથા વિવિધ ઝુંબેશની કામગીરી અંગે બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે વિધાનસભા સત્રની સમાપ્તિ બાદ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ પોતાના પ્રભારી મંત્રી તરીકેના જિલ્લાની મુલાકાતે સત્વરે આવી પહોંચ્યા હતા. અને જિલ્લામાં થઈ રહેલા આયોજનની સમીક્ષા કરી હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમે મંત્રી શ્રી રાઘવજીભાઈનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું, અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મંત્રીશ્રીને જિલ્લામાં થઈ રહેલા વિવિધ કામોના આયોજનથી વાકેફ કર્યા હતા.
મંત્રીશ્રીએ જિલ્લા આયોજન મંડળ હેઠળ થયેલા કામોની સમીક્ષા તેમજ જે કામોની મંજૂરી અપાયેલ છે, તેમને તાકીદે હાથ ધરીને પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ રાજકોટ જિલ્લાની પીવાના પાણીની સ્થિતિને તપાસતા ડેમમાં પાણીના જથ્થા, પાણી વિતરણની પરિસ્થિતિ તેમજ ઉનાળામાં સંભવિત અસર પામતા વિસ્તારો માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા થયેલ આયોજનની સમીક્ષા કરી હતી.
મંત્રીશ્રી પટેલે આગામી ચોમાસાને ધ્યાને લઈ સિંચાઈના કામો, ચેકડેમની મરામત, પી.જી.વી.સી.એલ. દ્વારા થતી મેન્ટેનન્સની કામગીરી, સફાઈ, તળાવના પાળાના રીપેરીંગ,પુલ તથા કોઝવેના કામો, ડામર રોડ, રીસર્ફેસિંગ, પેચ વર્ક, જાહેર રસ્તાઓની સાફ-સફાઈ, નવા રોડની મંજૂરી, જમીન માપણીને લગત કામોને અગ્રતા આપવા જણાવ્યું હતું. આ સાથે એનિમલ હાઉસ ખાતે પશુઓની કાળજી, કેચ ધ રેઈન અભિયાન હેઠળ વધુને વધુ ભૂગર્ભ જળસ્તર વધારવા કામગીરી કરવા ભાર મૂક્યો હતો. અને એપ્રિલના મધ્ય ભાગથી જ પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા આરોગ્ય મિશન હેઠળ યોજાયેલ બેઠકમાં મંત્રીશ્રીએ બાળ મૃત્યુદર ઘટાડવા તમામ પ્રસુતિ હોસ્પિટલોમાં કરાવવા વિશે સૂચન કરી, કુપોષણમુક્ત ભારત હેઠળ રાજકોટ જિલ્લામાં થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ રાજકોટ જિલ્લો ટી.બી.મુક્ત બને તે માટે તંત્ર દ્વારા કરવામાં આવતી સ્ક્રિનિંગ, પોષણકીટ વિતરણ, દર્દીઓની સારવાર વિશે વિશેષ તકેદારી લેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં મેયર શ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહ, કલેકટરશ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ ગોવિંદ સુરેશ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર શ્રી મહેશ જાની, અધિક નિવાસી કલેકટર શ્રી એ.કે.ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટર શ્રી મહેક જૈન, ડી.આર.ડી.એ. નિયામક શ્રી એ.કે.વસ્તાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સર્વ શ્રી ઇલાબેન ગોહિલ, શ્રી પ્રિયાંક ગળચર, રૂડાના ચેરમેન શ્રી જી.વી.મિયાણી, પ્રાંત અધિકારી શ્રી ચાંદની પરમાર, શ્રી વિમલ ચક્રવર્તી, જિલ્લા આયોજન અધિકારી શ્રી નિતીન ટોપરાણી, તથા વિવિધ વિભાગના અધિકારી- કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.