ANANDANAND CITY / TALUKOGUJARAT

જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

 

તાહિર મેમણ – ડેડીયાપાડા – 09/07/2026 – જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ જિલ્લા માર્ગ સલામતી સમિતિ (DRSC-ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમીટી) ની બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટરશ્રીએ અગાઉની માર્ગ સલામતી સમિતિની બેઠકમાં ચર્ચાયેલ મુદ્દાઓ અંગે કરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમિક્ષા કરી હતી.

 

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના નાગરિકોની સલામતીને ધ્યાને લઈ રજૂ કરવામાં આવેલા માર્ગ સલામતીના વિવિધ મુદ્દાઓ ઉપર સબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમિક્ષા કરી બાકી રહેલ કામગીરીને સત્વરે પૂરી કરવા તેમજ વાહન ચાલકોની સલામતી માટે જાહેર રસ્તા પર ટ્રાફિકના નિયમોનું સુચારૂ પાલન કરવા સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, સ્પીડ લિમિટ દર્શાવતાં બોર્ડ, રેડિયમ લગાવવા સહિતનાં વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

 

ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવા બાબતે તેમજ ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે માર્ગો પર સર્જાતી પરિસ્થિતિઓ, પાણી ભરાવાની સમસ્યાઓ તેમજ સંભવિત જોખમોને ટાળવા માટે વહીવટી તંત્ર દ્વારા કયા જરૂરી સાવચેતીના પગલાં લેવા જોઈએ તે અંગે બેઠકમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

 

બેઠકમાં સ્થાનિક સ્તરની સુરક્ષાને ધ્યાને લેતા સ્થાનિક સંસ્થા દ્વારા મેઈન રોડ પર આવેલ સ્કૂલના બાળકો અને રાહદારીઓની સલામતી માટે શાળાની સામે યોગ્ય બંપ મૂકવાની રજૂઆત અંગે પણ વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી. તેમજ વિવિધ અરજદાર દ્વારા મોકલવામાં આવેલા મહત્વપૂર્ણ સૂચનો બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેના પર સકારાત્મક વિચારણા કરીને યોગ્ય અમલીકરણ કરવા પર અધ્યક્ષશ્રી દ્વારા ભાર મૂકાયો હતો.

 

આણંદ જિલ્લામાં માર્ગ સલામતી વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને ટ્રાફિક નિયમન તેમજ અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો લાવવાના આશય સાથે યોજાયેલ આ બેઠકમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ માર્ગ સલામતી સબંધિત વિવિધ બાબતે, વાહન પાર્કિંગ તેમજ વાહન અકસ્માત સર્જાય તેવી સ્થિતિ નિવારવા સહિતની બાબતો અંગે વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને બાકી રહેલ કામગીરીની વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી.

 

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી લલીતકુમાર પટેલ, અધિક કલેકટરશ્રી ગમારા, પ્રાંત અધિકારીશ્રી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રી, નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, એસ.ટી. વિભાગના અધિકારીશ્રી સહિત સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!