વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મતદાનના દિવસે મતદાન મથકના મકાનથી ૨૦૦ મીટરની ત્રિજ્યા બહાર મતદારોને ઓળખ કાપલીઓ આપવા માટે કોઈપણ ઉમેદવાર ઇચ્છે તો એક ટેબલ, બે ખુરશી મુકી શકશે રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતો માટે સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓનો વિગત વાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ડાંગ જિલ્લામાં ૫૯ વિભાજન, ૧ મધ્ય સત્ર, તથા ૧ પેટા ચૂંટણી મતદાન તા.૨૨/૦૬/ર૦૨૫ ના રોજ સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી યોજાનાર છે.
મતદાનની આ પ્રક્રિયા દરમિયાન મતદારો નિર્ભયપુર્વક અને શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમિયાન તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહી તેમજ અન્ય ગેરકાયદેસર ની પ્રવૃતિ આચરે નહી અને મતદાન પ્રક્રિયા શાંતિપુર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ અન્વયે ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે મુજબના કૃત્યો ક૨વા ઉ૫૨ પ્રતિબંધ ફરમાવેલ છે.
(૧) મતદાનના દિવસે મતદાન મથકથી ર૦૦ મીટરની અંદર મતદારોને મતદાર યાદીનો ક્રમ નંબર કાઢી આપવા કે કાપલી લખી આપવા માટે તેમના કેમ્પ ઊભા કરવા નહિ કે તેવી કોશિશ કરવી નહીં.
(ર) મતદાન મથકે એક થી વધુ મતદાન મથકો હોય તેમ છતાં દરેક ઉમેદવાર દીઠ ર૦૦ મીટરની હદ બહાર ફકત ૧(એક) કેમ્પ જેમાં ૧(એક) ટેબલ અને બે ખુરશી અને છાંયડા માટે છત્રી કે તાડપત્રી કે કંતાનથી (ઢાંકેલું) બનાવવાનું રહેશે. બુથને ચારે બાજુ કંતાન વડે બંધ કરી શકાશે નહિ.
(૩) જે ઉમેદવારને આવા કેમ્પ ઉભા કરવાની ઈચ્છા હશે તેઓએ સંબંધીત ચુંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અઘિકારીને તે કયા કયા મતદાન મથકોએ આવા કેમ્પ ઉભા કરવા માંગે છે તેની યાદી આપી સ્થાનિક સત્તા મંડળ (ગ્રામ પંચાયત)ની લેખિત પરવાનગી મેળવવાની રહેશે.
(૪) આવા કેમ્પનો ઉપયોગ મતદારોને ઉમેદવારના નામ કે પ્રતિક કે પક્ષના નામ વગરની સફેદ કાગળ ઉપર ચુંટણી પંચે આપેલ સૂચનાં મુજબની કાપલી આપી શકાશે.
(પ) ઉમેદવારો ના કેમ્પ સાદા હોવા જોઈએ. તેની ઉપર કોઈ પોસ્ટર, વાવટા, પ્રતીકો કે અન્ય પ્રચાર સામગ્રી પ્રદર્શીત કરી શકાશે નહિં. કેમ્પ ખાતે કોઈ ખાદ્ય સામગ્રી આપી શકાશે નહીં કે ટોળા ભેગાં કરી શકાશે નહિ.
(૬) આવા કેમ્પ ઉપર મતદારોના ટોળા એકત્ર થવા દેશે નહિ કે મતદાન કરી આવેલ મતદારને ઉભા રહેવા દેશે નહિ.
(૭) મતદારોને મતદાન મથકે પ્રવેશ કરવામાં અડચણ ઉભી થાય તેવું કોઈ કૃત્ય થવા દેશે નહિ.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ માટે ડાંગ જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સપેક્ટર કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અઘિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.
આ જાહેરનામું તારીખ ૨૭/૦૬/૨૦૨૫ના સમય ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામું ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના મત વિસ્તારને લાગુ પડશે.