વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ,તા-21 સપ્ટેમ્બર : આગામી તા. ૨૨/૦૯/૨૦૨૪ થી તા.૨૫/૦૯/૨૦૨૪ સુધી નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ખાતે લોકમેળાનું આયોજન થનારું છે. આ મેળામાં કચ્છ જિલ્લામાંથી તેમજ અન્ય જિલ્લામાંથી અંદાજિત ૧૦ થી ૧૫ લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ મેળો ભુજ-નખત્રાણા હાઈવે રોડ નજીક આવેલા મોટા યક્ષ ખાતે યોજાતો હોય છે. ભુજથી માતાના મઢનો માત્ર એક જ ટુ લેન રોડ પસાર થતો હોઈ અને આ રસ્તા પર જી.એમ.ડી.સી.ના લિગ્નાઈટ તથા મીઠાના મોટા ભારે વાહનો પસાર થતાં હોઈ, ટ્રાફિકની સમસ્યા રહે છે. મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ મેળો માણી શકે તથા સરળતાથી ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે નખત્રાણાના વિરાણી ફાટકથી દેશલપર-વાંઢાય સુધીનો રસ્તો તથા મંગવાણા પલીવાડથી યક્ષ ત્રણ રસ્તા બાજુ આવતો રસ્તો તા. ૨૨/૦૯/૨૦૨૪ થી તા.૨૫/૦૯/૨૦૨૪ સુધી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) હેઠળનું જાહેરનામું બહાર પાડવા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટથી, નખત્રાણા તથા પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજની કચેરી તરફથી દરખાસ્ત રજૂ થઈ હતી.
ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તા.૨૨/૦૯/૨૦૨૪થી તા.૨૫/૦૯/૨૦૨૪ સુધી નખત્રાણાના વિરાણી ફાટકથી દેશલપર- વાંઢાય સુધીના રસ્તા તથા મંગવાણા પલીવાડથી યક્ષ ત્રણ રસ્તા બાજુ આવતા રસ્તા પર ભારે વાહનોની અવર જવર બંધ કરવા ફરમાવાયું છે. વૈકલ્પિક રસ્તા તરીકે માતાનામઢ બાજુથી આવતા ભારે વાહનો વિરાણી ફાટક-નિરોણા-લોરીયા ચેક પોસ્ટ થઈ ભુજ તરફ જઈ શકશે. ભુજ તરફથી આવતા ભારે વાહનો દેશલપર થઈ મંગવાણા- મોથાળા-તેરા ફાટક થઈ ઉખેડા થઈ માતાનામઢ તરફ જઈ શકશે. મંગવાણા પલીવાડથી યક્ષ ત્રણ રસ્તા બાજુ આવતો રસ્તો ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી મંગવાણાથી ભુજ બાજુ જવા માટે દેશલપર બાજુ તેમજ નલીયા બાજુ જવા માટે મોથાળા-તેરા ફાટક વાળો રૂટ પરથી અવર-જવર કરવી.
આ જાહેરનામા અન્વયે સરકારી ફરજ પરના વાહનો/એસ.ટી. બસો, ફાયર ફાઈટર વાહનો, એમ્બ્યુલન્સ વાહનોને લાગુ પડશે નહીં અને મુક્તિ આપવા માટેના અધિકારો પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ-ભુજ-કચ્છને રહેશે.