DEDIAPADAGUJARATNARMADA

દેડિયાપાડા કોલેજ ખાતે નવપ્રવેશી વિદ્યાર્થીઓ માટે એક દિવસીય અભિમુખતા કાર્યક્રમ યોજાયો

દેડિયાપાડા કોલેજ ખાતે નવપ્રવેશી વિદ્યાર્થીઓ માટે એક દિવસીય અભિમુખતા કાર્યક્રમ યોજાયો

તાહિર મેમણ – ડેડીયાપાડા – 23/07/2026 – નર્મદા જિલ્લાના ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, દેડિયાપાડા ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન પ્રથમ વર્ષ બી.એ. અને બી.એસસી.ના નવપ્રવેશી વિદ્યાર્થીઓ માટે એક દિવસીય ઓરિએન્ટેશન પ્રોગ્રામ (અભિમુખતા કાર્યક્રમ) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કોલેજના શૈક્ષણિક, સહશૈક્ષણિક તથા વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે માહિતગાર કરી તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કરવાનો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. બરખા વાલવી અને કુ. પ્રીતિકા વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ઉપસ્થિત મહાનુભાવો, અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.

 

આ પ્રસંગે ડૉ. રમેશ વસાવાએ વિદ્યાર્થીઓને કોલેજના ગૌરવશાળી ઇતિહાસ, સ્થાપના, વિકાસયાત્રા અને વર્તમાન શૈક્ષણિક પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ ડૉ. સી.બી. ગઢવીએ કોલેજમાં ઉપલબ્ધ વિવિધ વિષયો, અભ્યાસક્રમો તેમજ વિષય પસંદગી અંગે વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત આર્ટ્સ અને સાયન્સના તમામ વિભાગોના અધ્યાપકોએ પોતાના વિભાગના અભ્યાસક્રમ, પ્રયોગશાળાઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિદ્યાર્થીઓને પરિચિત કર્યા હતા.

 

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, કૌશલ્યવર્ધન અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોલેજમાં કાર્યરત વિવિધ સરકારી યોજનાઓ, સેલ અને પ્રવૃત્તિઓ અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં સપ્તધારા, એન.ટી.એફ.(NTF), એન્ટી-રેગિંગ સેલ, ઉદિશા (UDISHA), સ્કોપ (SCOPE), પરીક્ષા પદ્ધતિ (Examination Pattern), કવચ (CAWACH), સેતુ (SETU), એસ.એસ.આઈ.પી. (SSIP) તેમજ ઇનોવેશન સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

 

સંસ્થાના આચાર્યા ડૉ. અનિલાબેન પટેલે પોતાના અધ્યક્ષીય સંબોધનમાં નવપ્રવેશી વિદ્યાર્થીઓનું કોલેજ પરિવારમાં હાર્દિક સ્વાગત કરીને તેમને અનુશાસન, નિયમિતતા અને ઉત્સાહપૂર્વક અભ્યાસ કરવા પ્રેરિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સાથે વ્યક્તિત્વ વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા પણ અનુરોધ કર્યો હતો તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

 

કાર્યક્રમના અંતે મિ. સુરેશ ગામીતે ઉપસ્થિત મહાનુભાવો, અધ્યાપકગણ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો ઋણસ્વીકાર કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!