શ્રી એલ. વી. નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા માં વાલી મીટિંગ યોજાઈ

17 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી એલ. વી. નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા માં વાલી મીટિંગ યોજાઈ. સમૌ મોટા સ્થિત શ્રી એલ. વી. નગરશેઠ હાઈસ્કૂલ ખાતે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓના વાલીઓ ની મીટિંગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, નિયમિત હાજરી, શિસ્ત, પરીક્ષાની તૈયારી તેમજ શાળાની વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અંગે વાલીઓને માહિતગાર કરવાનો હતો.કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યશ્રી નટુભાઈ જોષી દ્વારા ઉપસ્થિત તમામ વાલીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે શાળાના નિયમો ,શૈક્ષણિક કામગીરી, નિયમિતતા, અભ્યાસનું મહત્વ, બોર્ડ પરીક્ષાની તૈયારી, પૌષ્ટિક ઘરનો નાસ્તો અને ટિફિન તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું.ત્યારબાદ વિષય શિક્ષકોએ પોતાના વિષયના અભ્યાસક્રમ, હોમવર્ક, માસિક કસોટીઓ, પરીક્ષાની તૈયારી અને વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન આવતી મુશ્કેલીઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વાલીઓએ પણ પોતાના પ્રશ્નો, સૂચનો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા જેના સંતોષકારક જવાબો શાળા પરિવાર દ્વારા આપવામાં આવ્યા હતા.મીટિંગ દરમિયાન વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા અને વાલીઓ વચ્ચે સતત સંપર્ક, સંવાદ અને સહકાર જળવાઈ રહે તે જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું.
અંતમાં ઉપસ્થિત તમામ વાલીઓનો સહકાર બદલ આભાર વ્યક્ત કરી શાળા જ્યારે બોલાવે ત્યારે ફરી ઉપસ્થિત રહેવા માટેની ખાતરી સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે માતૃ મંડળ અને પિતૃ મંડળની રચના કરવામાં આવી જેમાં સૌનો સાથ મળ્યો અને સુંદર કામગીરી કરવાની ખાતરી પણ આપવામાં આવી.






